હિન્દ ન્યુઝ, રાજકોટ
બ્રહ્માકુમારીઝ દ્વારા ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત 200 સિનિયર સીટીઝનનું કરાયું સન્માન
રાજકોટ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત શુક્રવારે સિનિયર સીટીઝન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આશરે 200 થી વધુ સિનિયર સીટીઝનનું સન્માન કરાયું હતું.
બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર જગદંબા ભવન ખાતે યોજાયેલા સમારોહના અધ્યક્ષ સ્થાને બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્ર.કુ. ભારતીદીદીજી ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્ય મહેમાન સ્થાને પ્રતિષ્ઠિત સમાજ સેવક અરવિંદભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કુ. કાવ્યાએ ક્લાસિકલા નૃત્ય રજુ કરીને સહુનું સ્વાગત કર્યું હતું. જયારે બ્ર. કુ. કંચનબેને મધુર શબ્દોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બ્ર. કુ. અંજુબેને પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઘડપણ એટલે અનુભવોથી અન્યને પ્રેરણારૂપ બનવું. વડીલોનો જોશ, જુસ્સો, ઉમંગ, ઉત્સાહ આજની યુવા પેઢીને પ્રેરણા આપે છે. વડીલો એટલે વડલો – જેનો છાંયો આખા પરિવારને મળે છે. આપણા સહુના આદર્શમૂર્ત બ્ર. કુ. ભારતીદીદીજી 84 વર્ષની વયે પણ કાર્યરત છે, તેમને વંદન – અભિનંદન. આપ સર્વે પણ કોઈને કોઈ પ્રવૃતિઓમાં કાર્યરત છો તે બદલ અભિનંદન.
પીઢ સમાજ સેવક અરવિંદભાઈ વોરાએ ભારતીદીદીજીને શુભેચ્છા પાઠવતા આ તકે જણાવ્યું હતું કે – આપે 70 વર્ષ ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યા તે બદલ આપને અભિનંદન. આપનો 84 મો જન્મોત્સવ મનાવી રહ્યા છીએ. તેમણે મહા મૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ કરીને દીદીજીને નિરામયી જીવન માટે શુભેચ્છા આપી હતી.
આ સાથે ત્રણ વખત મુક્ત હાસ્ય કરાવીને સહુને રિલેક્સ કર્યા હતા. આટલું જ નહિ, પાંચ વડીલોએ આ પ્રસંગે નૃત્ય રજુ કરીને વાતાવરણને એનર્જીથી ભરી દીધું હતું.
બ્ર. કુ. રેખાબેને પણ ઉદબોધન કરીને સર્વ સિનિયર સીટીઝન વતી ભારતી દીદીજીને દીર્ઘાયુ શુભેચ્છા અને મુબારકબાદ પાઠવ્યા હતા. અંતમાં તેમણે આભારવિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે – આ સેવા સપ્તાહ ભારતી દીદીજીનાં 84 મા જન્મદિવસ (29 સપ્ટેમ્બર) નિમિતે ઉજવાઈ રહ્યું છે.
Advt.