ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના ઢોલ ઢબૂક્યા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારોમાં થનગનાટ પણ વધી રહ્યો છે. મતદારોના ઉમંગ-ઉત્સાહને વધુ બળ આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં યોજાયેલી ‘રન ફોર વોટ’ યાત્રા સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓએ મતદાર જાગૃતિ માટે ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઢબૂકતા ઢોલ અને શરણાઈની સૂરાવલીઓ વચ્ચે સવારે ૭.૦૦ વાગ્યે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગો, સિનિયર સિટિઝનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, અધિકારીઓ-કર્મચારીઓ સહિત ૧,૭૦૦થી વધુ લોકો ‘વોકેથોન’માં જોડાયાં હતાં.

કલેક્ટરએ ‘વોકેથોન’ની શરૂઆત કરાવતાં જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં મતદાર જાગૃતિ ખૂબ જ અગત્યની છે. જેટલી જાગૃતિ હશે, તેટલી જ લોકશાહી વધુ સશક્ત અને મજબૂત બનશે. જે રીતે શરીર માટે કસરત જરૂરી છે. તે રીતે લોકશાહીને વધુ બળવત્તર બનાવવામાં મતદારની જાગૃતિ પણ એટલી જ મહત્વની છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વોકિંગ માણસના સ્વાસ્થ્ય માટે સારું છે, તે જ રીતે વોટિંગ લોકશાહીના સ્વાસ્થ્ય માટે સારું છે. આપણે વોટ કરીએ અને આપણી આસપાસ રહેતાં લોકોને પણ તે માટે જાગૃત કરીએ તે જરૂરી છે.

તેમણે આજે ‘વોકેથોન’ માટે મોટી સંખ્યામાં જોડાયેલાં લોકોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આજની મોટી સંખ્યાની ઉપસ્થિતિ બતાવે છે કે, આપણી લોકશાહી જીવંત અને ધબકતી રહેવાની છે.

આ ‘વોકેથોન’ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ સાથે મળીને મતદાન માટે સંકલ્પ લીધો હતો. આ સાથે જિલ્લામાં કોડિનાર, તાલાલા, સૂત્રાપાડા સહિતના સ્થળોએ પણ વોકેથોન યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોશ્યલ મીડિયા ઇનફ્લૂએન્સર પ્રભાતસિંહ રાજપૂત, લખમભાઈ ભેંસલા, સિનિયર સિટિઝન, દિવ્યાંગો, જુદી-જુદી સંસ્થાના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ સહિત વેરાવળના નગરજનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

Related posts

Leave a Comment