ભાવનગરમા મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ” યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે ગુલિસ્તા મેદાન ખાતેથી યોજાયેલ “રન ફોર વોટ” ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

“રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાનના રુટ મા “રન ફોર વોટ” અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ એ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે આગામી તા. 7 મે ના રોજ જિલ્લાના નાગરિકો લોકશાહીના પર્વમાં મતદાન આપીને સહભાગી થાય એ માટે જાગૃતિ અર્થે “રન ફોર વોટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોકોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય એ હેતુથી અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

‘રન ફોર વોટ’ કેમ્પેઈન અંતર્ગત અવશ્ય વોટ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાની શાળાઓના આચાર્ય, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ ઉપરાંત વિવિધ કોલેજના અધ્યાપકો, રમતવીરો અને વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, અધિક કલેક્ટર ડી. એન. સતાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એન. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment