સોજીત્રા મત વિભાગના આદર્શ મતદાન મથક લિંબાલીની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભા સામાન્ય ચૂંટણી:૨૦૨૪: આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના લિંબાલી આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો મહત્તમ મતદાન કરે અને મતદાન મથકો ખાતે મતદાર માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે બાબત ચૂંટણી પંચ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગના વિધાનસભા વિસ્તાર દિઠ એક-એક આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

સોજીત્ર મત વિભાગમાં આવેલ આવા જ એક આદર્શ મતદાન મથક લિંબાલીની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લઈને આ મોડલ પોલિંગ સ્ટેશનમાં વેઇટિંગ લોન્જ, હેલ્પ ડેસ્ક, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા, રેમ્પની સુવિધા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વેઈટિંગ રૂમ, વૃધ્ધજનો માટે અલગ બેસવાની વ્યવસ્થા, ખાસ થીમ આધારિત તૈયાર કરવામાં આવેલ છે કે કેમ ? તે તમામ બાબતો સહિતની વિવિધ વ્યવસ્થાઓની ચકાસણી કરી સબંધિતઓને જરૂરી સૂચના આપી હતી.

લિંબાલી મતદાન મથકની મુલાકાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ડભોઉં ૧-૨-૪ અને ૫ નંબરના મતદાન મથકોની પણ મુલાકાત લઈ મતદાતાઓ માટે પીવાના પાણીની, બેસવાની વગેરે જેવી માળખાકિય સુવિધાઓનું નિરીક્ષણ કરીને રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા.

આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અને એક્સપેન્ડિચર મોનિટરિંગના નોડલ ઓફિસર મિલિંદ બાપના, તાલુકા વિકાસ અધિકારી સહિતના ચૂંટણી પ્રકિયા સાથે સંકળાયેલા કર્મીઓ જોડાયા હતા.

Related posts

Leave a Comment