૧૯૫૭ ની લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી : બોમ્બે રાજ્યની બેઠકોમાં થયો વધારો

૧૯૫૭ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા

હિન્દ ન્યુઝ, આણંદ

    સમગ્ર ભારતમાં ૧૯૫૭ ના વર્ષમાં લોકસભાની બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિવિધ રાજ્યોની સાથે બોમ્બે રાજ્યની બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી. બોમ્બે રાજ્યમાં આવેલા ૫૮ મતવિસ્તારોમાં લોકસભાની આ ચૂંટણી અંતર્ગત ૨૬૪ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જે પૈકી ૯૮ ઉમેદવારી પત્ર રદ્દ થતા ૧૬૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આઝાદી બાદની આ બીજી લોકસભાની ચૂંટણી અન્વયેનું મતદાન તા. ૨૫-૨-૧૯૫૭ ના રોજ થયું હતું. મતદાન બાદ આવેલા પરિણામમાં બોમ્બે રાજ્યના તમામ મતદાર વિભાગોના કુલ મળી ૨૪ ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી.

બોમ્બે રાજ્યની ૫૮ બેઠકો પૈકી ૬-ગિરનાર, ૧૪-આણંદ, ૨૮-બારામતી, ૨૯-ખેડ અને ૪૮-નાગપુર બેઠકો ઉપરથી મહિલા ઉમેદવારોએ લોકસભાની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી ગિરનાર, આણંદ અને નાગપુરની બેઠકો ઉપરના મહિલા ઉમેદવારો વિજેતા બન્યા હતા.

૧૯૫૧ બાદ ૧૯૫૭ ના વર્ષમાં આવેલી લોકસભાની આ બીજી સામાન્ય ચૂંટણીમાં બોમ્બે રાજ્યની બેઠકોમાં વધારો થયો હતો. ૧૯૫૧ માં બોમ્બે રાજ્યની ૩૭ બેઠકો હતી, જે વધીને ૫૮ થઈ હતી. તેમાં પણ ખાસ કરીને હાલના ગુજરાતના વિસ્તારને ધ્યાને લઈએ તો, બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ વિસ્તારમાં પ્રથમ ચૂંટણીમાં જે ૧૧ બેઠકો હતી, તેમાં ૧૦ બેઠકોનો વધારો થતા, લોકસભાની આ બીજી ચૂંટણીમાં આ વિસ્તારની કુલ ૨૧ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. આ ૨૧ બેઠકોમાં મતદાર વિભાગ નંબર ૧-કચ્છ, ૨-ઝાલાવાડ, ૩-મધ્ય સૌરાષ્ટ્ર, ૪-હાલાર, પ-સોરઠ, ૬-ગિરનાર, ૭-ગોહિલવાડ, ૮-બનાસકાંઠા, ૯-સાબરકાંઠા, ૧૦-મેહસાણા, ૧૧-પાટણ, ૧૨-અમદાવાદ, ૧૩-કૈરા, ૧૪-આણંદ, ૧૫-પંચમહાલ, ૧૬-દોહાદ (એસટી), ૧૭-બરોડા, ૧૮-બ્રોચ (હાલનું ભરૂચ), ૧૯-માંડવી (એસટી), ૨૦-સુરત અને ૨૧-બુલસાર (એસટી) નો સમાવેશ થાય છે.

આણંદ લોકસભા મતદાર વિભાગની વાત કરીએ તો, આઝાદી બાદની ૧૯૫૭ ની લોકસભાની આ બીજી ચૂંટણીમાં ૧૪-આણંદ મતદાર વિભાગમાં કુલ ૪,૨૦,૭૮૭ મતદારો નોંધાયા હતા. જે પૈકી તા. ૨૫-૨-૧૯૫૭ ના રોજ યોજાયેલ મતદાનમાં કુલ ૨,૮૩,૦૦૩ મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર ૬૭.૨૬ ટકા મતદાન થયું હતું.

આણંદ લોકસભા બેઠકની આ ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને હરાવીને વિજેતા થયા હતા. વિજેતા ઉમેદવારને ૧,૬૦,૨૧૬ મત અને હરીફ ઉમેદવારને ૧,૨૨,૭૮૭ મત મળતાં વિજેતા ઉમેદવારે ૧૩.૨૩ ટકા મતથી એટલે કે, ૩૭,૪૨૯ મતની સરસાઈથી જીત હાંસલ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment