આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, આણંદ

      ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ જાહેર થતાં ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તથા છેલ્લી ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની સ્વીપ કાર્યક્રમ એટલે કે જિલ્લામાં મતદારોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવા નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી દ્વારા આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય.

મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આણંદ એસટી ડેપો ખાતે એસટી ડેપો મેનેજરના સંકલનમાં રહીને એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઇવર અને કંડક્ટરો સહિત જાહેર જનતા માટે યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં આણંદ એસટી ડેપોના ડ્રાઇવર કંડકટર સહિત એસટી ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ અમે જરૂરથી મતદાન કરીશું તેવા શપથ લીધા હતા.

આ ઉપરાંત જિલ્લામાં મહત્તમ મતદાન કરવા માટે સિગ્નેચર કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં એસટી ડેપો ખાતે હાજર જાહેર જનતાએ સિગ્નેચર કરીને તથા એસટી ડેપોના ડ્રાઇવર કંડકટર સહિતના કર્મીઓએ સિગ્નેચર કરીને અમે ચોક્કસ મતદાન કરીશું અને બીજાને પણ મતદાન કરવા માટે જણાવીશું તેમ જણાવ્યું હતું.

આ સમયે આણંદ જિલ્લાના ચૂંટણી આઈકોન લજ્જા ગોસ્વામીની સેલ્ફી સાથે એસટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરોએ સેલ્ફી પર ફોટા પણ પડાવ્યા હતા અને મતદાન કરવાની બાહેધરી આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદમાં જિલ્લામાં મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ થકી વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવા પ્રયાસો જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment