આણંદ જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગ દીઠ ૧ મોડલ પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ 

લોકસભાસામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, જેને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર વિભાગ દીઠ ૧ મોડલ પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૭ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ મળી ૭ મોડલ પોલિંગ મથક તૈયાર કરવામાં આવનાર છે. આ મોડલ પોલિંગ સ્ટેશનમાં વેઇટિંગ લોન્જ, હેલ્પ ડેસ્ક, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા, રેમ્પની સુવિધા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વેઈટિંગ રૂમ, વૃધ્ધજનો માટે અલગ બેસવાની વ્યવસ્થા, ખાસ થીમ આધારિત તૈયાર કરવામાં આવશે.

દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક મોડલ પોલીંગ સ્ટેશનની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૧૪૨ ખાતે, ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૧૪૪-ભાદરણ ખાતે, ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૧૧૯-અંબાવ ખાતે, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૫૫-પરવટા ખાતે, ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૭૫ ખાતે, ૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૯૧-રંગાઈપુરા ખાતે અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૨૩-લીંબાલી ખાતેના બુથ મળીને સમગ્ર લોકસભા મતદાર વિભાગના ૭ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ મળી ૭ મતદાન મથકોને મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ જણાવ્યું છે.

ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મોડલ પોલિંગ સ્ટેશન બનાવવાથી ત્યાંના મતદારોને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઉપરાંત મતદારોને બેસવાની સારી સુવિધા જેવી અનેક સુવિધાઓ મળી રહેશે અને આ મોડેલ પોલિંગ સ્ટેશન ખાસ થીમ આધારિત મંડપ સાથે સજાવટ કરવામાં આવે છે, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Related posts

Leave a Comment