આણંદ જિલ્લામાં તમામ મતદાન મથકોએ મતદાર સહાય બૂથ ઉભા કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

   ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદમાં ૧૬-આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને અને ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી યોજાનાર છે. લોકસભાની આ ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા યોજાય તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૭૭૩ મતદાન મથકો ઊભા કરાયા છે. આ તમામ મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પુરી પાડવા માટે Voter Assistance Booths (મતદાર સહાય બૂથ) ઉભા કરી, આ બુથ પર BLOની નિમણુંક કરી, મતદારોને સુવિધા પુરી પાડવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર પર રાખવામાં આવ્યા છે અને તમામ મતદાન મથકોએ પીવાના પાણીની, શૌચાલયની, વિજળી અને રેમ્પની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એટલું જ નહિં પરંતુ મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી. (દિવ્યાંગ) મતદારોને મતદાન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે.  

જિલ્લામાં જરૂરિયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, મતદાન મથક દીઠ ૨ વોલેન્ટીયર્સ, મફત વાહન સુવિધા, પ્રોપર સાઈન, બોર્ડ/પોસ્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લામાં ૮૫ કે તેથી વધુની ઉંમર ધરાવતાં મતદારો અને દિવ્યાંગ મતદારો (“Absentee Voters”) નો બી.એલ.ઓ. દ્વારા સંપર્ક કરી, પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઈચ્છા ધરાવતાં મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા “Absentee Voters”એ ફોર્મ નં. ૧૨ડી સંબંધિત બી.એલ.ઓ. દ્વારા ભરાવવામાં આવ્યા છે.

એટલું જ નહિં પરંતુ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી અને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી મતદારો માટે વિવિધ મોબાઈલ અને આઈ.ટી.એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં આદર્શ આચારસંહિતા સંબંધેની ફરીયાદો કરવા માટે cVIGIL એપ્લિકેશન, ઉમેદવારો સંબંધી જાણકારી મેળવવા માટે કેવાયસી (KYC) એપ્લિકેશન, દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ્લિકેશન, મતદાર યાદીમાં નામ ચકાસવા, નામ ઉમેરવા, કમી કરવા, સુધારો કરવા માટે વોટર હેલ્પલાઈન એપ્લિકેશન અને NVSP, Voter Portal ની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે.

Related posts

Leave a Comment