જામનગર જિલ્લાના ખેડૂતો માટે ”મિશન મધમાખી યોજના” અંતર્ગત તાલીમ સત્રનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગર દ્વારા “મિશન મધમાખી યોજના” કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં માર્ગદર્શન મળી રહે અને “મધમાખી પાલન : એક સફળ વ્યવસાય” થીમને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મધમાખી ઉછેર, રાણી મધમાખીનો ઉછેર, મધમાખી પાલન દરમ્યાન લેવાની થતી કાળજીઓ અને તેની માવજત, મધમાખીના પરજીવી અને પરભક્ષીઓ તથા તેનું નિયંત્રણ, બાગાયત ખાતાની વિકાસલક્ષી યોજનાઓ વિષે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ કે.વી.કે.જામનગર ફાર્મના નિર્દશન એકમોની મુલાકાત લેવામાં આવી હતી.

તેમજ જોડિયા તાલુકાના સફળ મધુપાલક શ્રી મેહુલભાઈ ભીમાણી અને શ્રી નરેશભાઈ ગાંગાણીએ મધમાખી ઉછેરમાં ધ્યાનમાં રાખવાની બાબતો, મધમાખી પાલનના અનુભવો અને મધમાખી પેટી નિદર્શન વિષે સર્વેને જાણકારી આપી હતી. કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત નાયબ બાગાયત નિયામક શ્રી એ.એમ.દેત્રોજાએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ અને આભાર વિધિ મદદનીશ બાગાયત નિયામક એચ.બી.પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઉકત સમારોહમાં ડો.કે.પી.બારૈયા, બાગાયત અધિકારી વી.એચ.નકુમ, ડૉ.વી.સી.ગઢિયા, કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં ખેડુતો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment