જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સુકાઇને જમીન પર ઢળી પડે છે.

આ ઉપરાંત, પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી જાય છે અને આખો છોડ સુકાઇ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલી જોવા મળે છે. જેને ‘આંશિક સુકારો’ કહે છે. સુકાયેલા છોડને જમીનમાંથી ઉખાડીને તપાસતાં તેમાં બહારથી કોહવારો જોવા મળતો નથી. પરંતુ છોડનાં થડને ઉભું ચીરવામાં આવે, તો તેની જલવાહિની ઘેરા કથ્થઈ કે કાળા રંગની જોવા મળે છે. આ રોગથી બચવા માટેના પગલાં અત્રે જણાવવામાં આવ્યા છે. જે અંતર્ગત,

1. રોગિષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/લિટર દ્રાવણનો છંટકાવ કરવો.

2. પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા/હેક્ટર ૫૦ કિગ્રા ખાતર સાથે રોગિષ્ટ છોડની ફરતે રેડવું જોઈએ.

3. સ્ટંટ વાયરસ રોગ વિષાણું (વાયરસ) થી થાય છે અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાતો હોઇ, તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે મિથાઇલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ.

4. સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવીને વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ.

5. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨×૧૦° સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક/ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે, આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા તો નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), તાલીમ અને મુલાકાત યોજના, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment