કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના સુમરી ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો અર્પણ કરાયા
જામનગર તા.૧૧ ડિસેમ્બર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અને તેના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત તા.૧૫મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ”સમગ્ર દેશના નાગરિકોનું જીવન ધોરણ સુધરે, તેમના સુધી વિકાસના ફળ પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ લાગુ પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બચાઓ- બેટી પઢાઓ, નલ સે જલ અને કલ્પસર યોજના જેવી અનેકવિધ યોજનાઓ લાગુ પાડવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ તળે ગામડે- ગામડે નાગરિકો સુધી વિકાસના ફળ પહોંચાડવામાં આવી રહ્યા છે.”

કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિષય આધારિત ટુંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ ”મેરી કહાની, મેરી જુબાની” અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર દર્શિતભાઈ ભટ્ટ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે કારીગરોને જાણકારી અપાઈ હતી. તેમજ સુમરી ગામના પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પેઢળિયાએ ગ્રામજનો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો.

સુમરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમ” થીમ આધારિત નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીનભાઈ રાજાણીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાભાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સર્વે નાગરિકો દ્વારા વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, આગેવાન કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ જાડેજા, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment