કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.૧૫ મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં હજારો લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. ઘરે ઘરે ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” પહોંચી રહી છે, અને બાળકોથી શરૂ કરીને વરિષ્ઠ નાગરિકો આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.”

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. 

કાર્યક્રમમાં ઝાંખર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા ”ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત, મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

ઉકત કાર્યક્રમમાં, જિલ્લા કલેકટર બી.એ.શાહ, લાલપુર પ્રાંત અધિકારી અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, દિલીપસિંહ ભોજાણી, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment