તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું છેઃ મુખ્ય નિર્વાચન અધિકારી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના અંતિમ દિવસે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગરની સી.એમ. પટેલ કૉલેજ ઑફ નર્સિંગની મુલાકાત લઈ લોકશાહીમાં દરેક મતના મૂલ્ય અને નાગરિક તરીકે મતદાનની નૈતિક ફરજ અંગે મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવાઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું.

યુવાઓ સાથે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, આજે ખરા અર્થમાં સશક્તિકરણ એટલે પોતાનું કામ કરવાની સ્વયંભૂ શક્તિ. તમે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે યુવા તરીકે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી સશક્ત યુવા બનો. માત્ર મતદાર નોંધણી જ નહીં, ચૂંટણીના દિવસે મતદાન કરવું એ પણ તમારી નૈતિક ફરજ છે. તમને સૌને મતાધિકાર મેળવવાની પ્રેરણા આપવા આજે ચૂંટણી તંત્ર તમારા દ્વારે આવ્યું છે ત્યારે જાગૃત યુવા તરીકે આજે જ મતદાર યાદીમાં નામ નોંધાવવા અનુરોધ કરૂં છું.

યુવાઓને લોકશાહીના સહભાગીઓ તરીકે આવકારતાં અધિક કલેક્ટર અને નોડલ ઑફિસર (આઈ.ટી) રિન્કેશ પટેલે જણાવ્યું કે, આપ સૌ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો ત્યારે લોકશાહીના સ્વાસ્થ્ય માટે પણ આપ સૌએ મતદાન દ્વારા પોતાની અમૂલ્ય ફરજ નિભાવવાની છે. સાથેજ પટેલે મારા એક મતથી શું ફરક પડશે? તેવી માનસિકતા દૂર કરી મતદાર યાદીમાં નામ નોંધાવવા ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા ઑનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

ગાંધીનગર જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયા દ્વારા નર્સિંગ કૉલેજ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાઓને મતદાર તરીકે નોંધણી કરાવવા Voter Helpline Appનું લાઈવ ડૅમોન્સ્ટ્રેશન દર્શાવી રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. સાથે જ ભારતના ચૂંટણી પંચની સ્થાપના તથા અનેક પડકારો વચ્ચે લોકશાહીને વધુને વધુ સુદ્રઢ બનાવવાના સફરની ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ અને ‘હું ભારત છું’ ગીત દર્શાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ લોકતાંત્રિક પરંપરાની મર્યાદા જાળવી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના ભેદભાવ કે પ્રલોભન વગર મતદાન કરવા શપથ ગ્રહણ કર્યા હતા. 

મુખ્ય નિર્વાચન અધિકારીની અપીલના પગલે સી.એમ. પટેલ કૉલેજ ઑફ નર્સિંગના 150થી વધુ યુવાઓએ સ્થળ પર જ Voter Helpline App ડાઉનલોડ કરી, મોબાઈલ ઍપના માધ્યમથી મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ ભર્યા હતા. આ કાર્યક્રમમાં નર્સિંગ કૉલેજના આચાર્ય ડૉ. રાજેશ રાવલ, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment