જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અઘ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો શિક્ષણ સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અઘ્યક્ષસ્થાને રાજ્ય સરકારના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત વાલીઓ સાથે શિક્ષણ સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નારી સંમેલન અને માતા યશોદા એવોર્ડનું આયોજન પણ કરાયું હતું. સરકાર દ્વારા કાર્યરત વિવિધ સરકારી યોજનાઓ વિષે વાલીઓ સાથે સીધો સંવાદ થઈ શકે અને બહોળી સંખ્યામાં વાલીઓને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત કરી શકાય તે હેતુસર જિલ્લા કક્ષાનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત, આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા મોબાઈલના વધતા જતા ઉપયોગ આધારિત અભિનય ગીત રજુ કરવામાં આવ્યું હતું. પ્રિ-સ્કુલ ઈન્સટ્રકટર દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આંગણવાડીમાં મળતા લાભો આધારિત રંગલા અને રંગલીનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધેલ દરેક બાળકને પ્રોત્સાહનરૂપે ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ પ્રિ-સ્કુલ ઈન્સટ્રકટર અને આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલ TLM- ટીચિંગ લર્નિંગ મટીરીયલ (શીખવા-શીખવવા માટેની શૈક્ષણિક સાધન સામગ્રી) રજુ કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કરીને ઉત્તમ TLM- ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ વિજેતા જાહેર કરીને તેમને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.

વિશેષમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- જામનગરના લેકચરર ડૉ. સુરભિ જી. દવેએ વાલીઓને બાળકનો સર્વાંગી વિકાસ અને પુર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાવતું વક્તવ્ય રજૂ કર્યું હતું. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગરે દહેજ પ્રતિબંધક કાનૂન વિશે સમજૂતી આપી હતી.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ- ગાંધીનગર અંતર્ગત નારી અદાલત જામનગર જિલ્લાના કો– ઓડીનેટર ખ્યાતિબેન ભટ્ટ દ્વારા કાનૂની સહાય અને નારી અદાલત વિશે માહિતી અપાઈ હતી. આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બી.બી.સુથાર દ્વારા આંગણવાડીમાં બાળકોને મળતા લાભો અંતર્ગત વાલીઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ પ્રશ્નોત્તરીના અંતે વિજેતા વાલીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ.

સમગ્ર વર્ષ દરમ્યાન જે આંગણવાડી કેન્દ્રની શ્રેષ્ઠ કામગીરી હોય તેવા આંગણવાડી કાર્યકર, હેલ્પર તેમજ મુખ્યસેવિકાને માતા યશોદા એવોર્ડ વર્ષ 2020-21 અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ તેમને રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન ભેંસદડીયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, આંગણવાડીના કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment