હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા.06 માર્ચ સુધીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના રહેલી છે. તેથી અત્રે જણાવેલ સાવચેતીના પગલા લેવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર,
(1) બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોએ તૈયાર થયેલા ફળ, શાકભાજી અને મસાલા પાકોની કાપણી કરાવી લેવી જોઈએ.
(2) તૈયાર થયેલ ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડીને તેનો સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવો જોઈએ. તેને તાડપત્રી/પ્લાસ્ટિકથી યોગ્ય રીતે બગાડ/નુકશાન થાય નહિ તે રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી પાકના ઢગલા નીચે જતું અટકાવવું જોઈએ.
(3) બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું જોઈએ. તેમજ ફળ પાકોમાં ટેકા આપવા જોઈએ.
(4) તેમજ થડ આજુબાજુ માટી ચઢાવવી જોઈએ.
(5) જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું આ સમયે ટાળવું જોઈએ.
(6) એ.પી.એમ.સી. માં વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખીને સાવચેતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
(7) માર્કેટીંગ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશનું વેચાણ ન કરવા તેમજ વેચાણ માટેની પેદાશને ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવી જોઈએ. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.