સ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

         ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાની અંધજન કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૧૦૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે તમામ વયજૂથના ખેલાડીઓ માટે OH(શારિરીક ક્ષત્તિગ્રસ્ત) કેટેગરીની વોલીબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૮૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત તમામ વયજૂથ માટે HI(મુંગા અને બહેરા) કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધા શ્રી સત્યસાઇં વિદ્યાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં ૮૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

તમામ રમતોમાં વિજેતા ટીમો રાજ્યકક્ષાએ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જીલ્લા રમત ગમત અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment