હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢક અને તેમની ટીમના અથાગ પ્રયત્નો, આરોગ્યકર્મીઓની કામ કરવાની ધગશ, અથાગ પરિશ્રમ થકી નર્મદા જિલ્લાએ છેલ્લા ૧૦ માસના ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય કક્ષાના કુલ ૦૨ અને રાજ્ય કક્ષાના ૩૭ એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે. જેમાં સિસોદ્રા અને જેશલપોર પી.એચ.સી અંતર્ગતના નવાપરા અને સુંદરપુરા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)નો સમાવેશ થાય છે. ક્વોલીટી સર્ટીફીકેટ એવી આરોગ્ય સંસ્થાઓને આપવામાં આવે છે, જે ઉત્તમ કક્ષાની આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર દર્દીઓને પુરી પાડવામાં સક્ષમ હોય. ક્વોલીટી સર્ટીફીકેટ મેળવેલી સંસ્થાઓ દ્વારા અલગ-અલગ વિભાગોના ઇન્ડિકેટરમાંથી પસાર થવું પડતું હોય છે.
ત્યારબાદ નેશનલ લેવલથી ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફ્ત આરોગ્યલક્ષી સુવિધાઓની સંપુર્ણ ચકાસણી કરી બાદમાં નેશનલ લેવલે એન.યુ.એ.એસ. સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે. જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડો. સમતેશ્વર ચૌધરીના જણાવ્યા અનુસાર આ સર્ટિફિકેટ માટે સંસ્થાના મકાન, પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, મેડિકલને લગતી પુરતી સેવાઓ, આરોગ્ય કર્મચારીઓને આરોગ્યલક્ષી જાણકારી સહીત નેશનલ લેવલના અધિકારીઓના એસેસમેન્ટ બાદ આ સર્ટીફીકેટ આપવામાં આવતા હોય છે. નર્મદા જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હોય નાંદોદ તાલુકામાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સતત માર્ગદર્શન અને પ્રયાસો થકી જિલ્લામાં આરોગ્યની સેવાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે માસમાં નાંદોદ તાલુકાના કુલ ૧૧ આયુષ્માન આરોગ્ય મંદીર કેન્દ્રોના એન.કયુ.એ.એસ સર્ટિફિકેટ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીની ટીમો દ્વારા ટૂંક સમયમા આ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોનું એસેસમેન્ટ કરવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી- નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.