હિન્દ ન્યુઝ, સુરત
સુરતના રાંદેર ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં રમતો રમી રહેલા દિવ્યાંગ ખેલાડીઓની રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિવ્યાંગ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને રસોડાની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
રમત-ગમત મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એક એવો ખેલ મહોત્સવ છે, જેણે ગુજરાતના છેવાડાના ખેલાડીઓને તક આપીને એમની ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની સાથે મર્યાદિત ક્ષમતાઓ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પણ સુવર્ણ તક આપી છે. દિવ્યાંગ ખેલાડીઓને કુદરતે વિશેષ શક્તિઓ આપી છે, ત્યારે એમનું ખેલ કૌશલ્ય નિખરે અને તેમના પુરૂષાર્થ થકી તેઓ પરિવાર અને રાજ્યનું ગૌરવ વધારે તે માટે રાજ્ય સરકાર દિવ્યાંગ ખેલાડીઓને વિશેષ તાલીમ આપી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ મેયરશ્રી દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ સહિત કોર્પોરેટરો, અગ્રણીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.