હિન્દ ન્યુઝ, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવાલક્ષ ગણપતિ અથર્વશીર્ષ પાઠ તેમજ મહા વિનાયક યજ્ઞનું આયોજન કરાયું છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી કે જેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીનાં વિશ્વ કલ્યાણકારી સદભાવને અનુસરીને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓને સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં જોડીને સંસ્કૃત પાઠશાળાઓને જ્ઞાનપ્રકાશથી જોડતો એક સ્વર્ણિમ પથ કંડાર્યો છે.
ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં સોમનાથ ખાતે રાજ્યભરની 45 થી વધુ સંસ્કૃત પાઠશાળાઓ જોડાઈ છે. પાઠ શાળાના ઋષિ કુમારો સોમનાથ ખાતે આવી સોમનાથ મંદિર પરીસરમાં પ્રાચીન કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરે છે.
જેમાં આજરોજ મહાઅનુષ્ઠાનના 11માં ચરણમાં શ્રી નારાયણ સંસ્કૃત મહા વિદ્યાલય પેટલાદ, શ્રી રાજકિય સંસ્કૃત પાઠશાળા પેટલાદ અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 જેટલા શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના ચીફ એકાઉન્ટન્ટ અજયભાઈ દુબે દ્વારા શ્રી ગણેશજીની પૂજા કરી અનુષ્ઠાનનું 11મુ ચરણ પ્રારંભ કરાવવામાં આવ્યું હતું. તેમજ અનુષ્ઠાન પૂર્ણ થયે ઋષિકુમારોને ભક્તિમય પ્રસાદ કીટ ભેટ આપવામાં આવી હતી.
શ્રી ગણપતિ અથર્વશીર્ષના સવા લાખ પાઠ પૂર્ણ થયે તારીખ 26 થી 28 સપ્ટેમ્બર સુધી મહા વિનાયકી ગણેશ યજ્ઞ યોજવામાં આવશે. કહેવામાં આવે છે કે સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં પણ મહા વિનાયકી યજ્ઞનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી મોટું ગણેશ અર્ચનનું અનુષ્ઠાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ થવાથી સમગ્ર તીર્થમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે.