હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા આજે સવારે તાલાલાનાં માધુપુર લેઉવા પટેલ સમાજની વાડી ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ‘પ્રકૃતિ સાથેની ખેતી એટલે પ્રાકૃતિક ખેતી‘ એવી વિભાવના સ્પષ્ટ કરતા કલેક્ટરએ જણાવ્યું કે, આપણો જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. કેસર કેરી તેમજ પશુપાલન આપણા જિલ્લાની આગવી ઓળખ છે. આ સિવાય આણો જિલ્લો નારીયેળી તેમજ વિવિધ કૃષિ પેદાશો માટે પણ નામના ધરાવે છે.
કલેકટરશ્રીએ વધુમાં ખેડૂતોને કેમિકલમુકત કૃષિ પેદાશોનું ઉત્પાદન કરવા અપીલ કરવા સાથે કૃષિ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતોની આવક વધે તેમજ આર્થિક લાભ થાય તે માટે તાલીમો વર્ગો, કેમ્પ, ટ્રેનીંગ તેમજ સરકારની કૃષિ અને પશુપાલનની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે નક્કર આયોજન કરવાની પરિણામે આજે કૃષિના લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચ્યા છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછારે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ દ્વારા ખેડુતોને ખેતીલક્ષી સચોટ માર્ગદર્શન મળે છે.
તેમણે ખેડૂતોને ગાય આધારિત તેમજ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમજ વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ જેવી આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પાકોની જાણકારી માટે વિવિધ પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. આ સ્ટોલની મુલાકાત કલેકટરશ્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ લીધી હતી.
આ કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં તેમજ પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
આ કૃષિ પરિસંવાદમાં પદ્મશ્રી હીરબાઇ લોબી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે સ્વર્ણકાર, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી, તાલાલા મામલદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અગ્રણી શૈલેન્દ્રસિંહ રાઠોડ, માધુપુર ગામના સરપંચ વિમલભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.