એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ૫૨,૯૬૯ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે.

ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર તાલુકામાં ૧૧,૦૨૨ ખેડૂતોએ, ઉના તાલુકામાં ૯૮૧૦ ખેડૂતોએ, સુત્રાપાડા તાલુકામાં ૯૬૨૧ ખેડૂતોએ, તાલાલા તાલુકામાં ૯,૧૯૨ ખેડૂતોએ, વેરાવળ તાલુકામાં ૬,૩૧૬ ખેડૂતોએ અને ગીર ગઢડા તાલુકામાં ૭૦૦૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી, ગ્રામ સેવકશ્રી તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮- અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર(વી.સી.ઇ.)નો સંપર્ક કરવો તેમજ તા. ૩૧.૧૨.૨૦૨૪ પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment