વડાપ્રધાનના આગમન ને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી

હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર

      પ્રધાનમંત્રીના બોડેલી મુલાકાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જીલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજરોજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ એસપીજીની ટીમે સુરક્ષાની બાગડોર સાંભળી લીધી હતી. એસપીજી-આઈજી શિવમકુમાર અને પૃથ્વીસિંહ પવાર તેમજ તેમની ટીમે સભા સ્થળ અને હેલીપેડ નિરીક્ષણ, ચકાસણી કરી, એસપીજી તેમજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં વહીવટીતંત્ર, હુકમ થયેલા અધિકારીઓ અને ફરજ સોપાઈ હોય તે કચેરીના અધિકારી સાથે ખાસ બેઠક યોજી એએસએલ (એડવાન્સ સિક્યોરીટી લાઈઝન) યોજી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રીની વિઝીટમાં કોઈ ચૂક ન રહે તેની તકેદારી રાખવામાં આવી હતી. તા. ૨૭/૦૯/૨૦૨, બુધવારના દિવસે અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હેલીકોપ્ટર મારફત બપોરે ૧૨.૩૦ કલાકે બોડેલી સેવા સદન પાછળ બનાવેલા હેલીપેડ પર ઉતરાણ કરશે અને જીલ્લાની જનમેદનીને બાજુમાં આવેલા વોટરપ્રૂફ ડોમમાં સંબોધન કરશે. અહીંથી સીધા તેઓ વડોદરા જવા રવાના થશે. ૧ હજાર જેટલી ખાનગી અને એસટીની બસોમાં જીલ્લાના તમામ તાલુકાના લોકો વડાપ્રધાનશ્રીને સાંભળવા માટે બોડેલી આવશે. વડાપ્રધાનશ્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આવનારા છે. આ માટે ખુબ જ ચોકસાઈપૂર્વક રૂટ પ્લાન, પાર્કિંગ વ્યવસ્થા, વીઆઈપી પાર્કિંગ અને ટ્રાફિક કન્ટ્રોલની જોગવાઇઓ કરવામાં આવી છે.

કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ ૨૫ સમિતિઓની રચના કરવામાં આવી છે. તમામ સમિતિઓનું મોનીટરીંગ કલેકટર સુ. સ્તુતિ ચારણ કરી રહ્યા છે તેમજ ગાંધીનગરથી ગઈ કાલે શિક્ષણ સચિવ વિનોદ રાવ આવેલા હતા અને એસએસએના ડાઈરેકટર રતનકવર ગઢવી ચારણ પણ આવેલા હતા. ઉપરાંત કેવડીયા ખાતે આવેલા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે પણ બોડેલી આવી તમામ વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. ટ્રાફિક, પોલીસ વિભાગ, માર્ગ અને મકાનના અધિકારીઓ મળીને બસો- તેમજ ખાનગી વાહનોના નિયંત્રણ માટે માઈક્રો પ્લાનીગ કર્યું છે. ડીઈઓ અને ડીપીઈઓના માર્ગદર્શન હેઠળ તમામ બસો માટે રૂટ સુપરવાઈઝર, સહાયક રૂટ સુપરવાઈઝર અને ૨૫ બસ વચ્ચે એક લાઈઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામના ફોન નંબર, તમામના રૂટ પ્લાન, સમય બધું જ આગોતરા આયોજન સાથે નક્કી કરી દેવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment