કેન્દ્રીય સંચાર બ્યુરો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજપરા ખોડિયાર ખાતે યોજાયો મતદાર જાગૃતિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ‘દસ મિનિટ દેશ માટે, લોકશાહીમાં મતદાન માટે’ ના સંદેશ સાથે ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડીયાર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શેરી નાટકના માધ્યમ દ્વારા મનોરંજન સાથે હળવી શૈલીમાં મતદાર જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો.

કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ વક્તવ્ય આપતા વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ મહાપર્વ લોકસભા ચૂંટણી અંગે લોકોને જાણકારી આપતા ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે કરવામાં આવતી તૈયારીઓ અને તકેદારીની જાણકારી ઉપસ્થિત લોકોને આપી હતી. સાથે જ મત આપવા માટે મતદારની લાયકાત, ઓળખના પુરાવાઓ, ઇવીએમ અને વીવીપેટ મશીન સહિત મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલ તમામ બાબતો અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ચૂંટણી અને મતદાન સંબંધિત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં વિજેતા થયેલા લોકોને વિભાગ તરફથી ઇનામો આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ ખોડીયારના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોએ આ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર લીધો. શિહોરના નાયબ મામલતદાર નિકુંજભાઈ ત્રિવેદી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્વીપ નોડલ અધિકારી નિલેશભાઈ નાથાણી, ભાવનગર ગ્રામ્ય સેક્ટર ઓફિસર મનહરભાઈ ઉલવા, સેક્ટર ઓફિસર નિલેશભાઈ મંકોડીયા, બીએલઓ હિતેશભાઈ પરમાર તેમજ બીએલઓ મુકેશભાઈ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થયેલા લોકોએ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા હતા.

 

 

Related posts

Leave a Comment