લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતાં શતાયુ મતદાર સોનાબેન પરમાર

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

     લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃત્તિ અભિયાન હાથ ધરાયું છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રથમ વાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓને આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા જિલ્લાના શતાયું મતદાતાઓએ અપીલ કરી છે.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી પાસે આવેલ કલ્યાણપુરા ગામમાં રહેતા અને આયખાની સદી વટાવી ચૂકેલા ૧૦૫ વર્ષના મતદાતા સોનાબેન રૂપસિંહ પરમારે તેમના સમગ્ર જીવન દરમિયાન આવેલી ચૂંટણીઓમાં તેમણે કરેલા મતદાનની વાત કરી આણંદ જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.

સોનાબેને મતદારોને પ્રેરીત કરતી તેમના શતાયું જીવનની વાત કરતાં જણાવ્યું હતુ કે, ‘‘મારી ઉંમર એખોને પોચ વર્ષની છે. અતાર સુધી મે બધી ચૂંટણીઓમાં મત આલ્યા છે, અને આ વખતની ચૂંટણીમાં મત આલવા જવાની શું, તમે બધા પણ મત આપવા જજો… એમ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન યોજાયેલ ચૂંટણીઓમાં મતદાન કરીને એક ઉમદા નાગરીક ધર્મ અદા કર્યો છે.

આમ, સોનાબેન પરમારે જે રીતે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં મતદાન કરીને નાગરીક ધર્મ નિભાવ્યો છે તેમ જિલ્લાના તમામ મતદારોએ પણ લોકશાહીના મહાપર્વ સમા ચૂંટણીમાં મતદાન કરીને પોતાનો નાગરીક ધર્મ બજાવવાનો જ રહ્યો… આગામી ૭મી મે ના રોજ આપણે પણ મતદાન કરવાનો સંકલ્પ લઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૬-આણંદ સંસદિય મતવિસ્તારમાં શતાયુ મતદારોની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત મતવિસ્તારમાં ૩૩, ૧૦૯-બોરસદ મતવિસ્તારમાં ૪૫, ૧૧૦-આંકલાવ મતવિસ્તારમાં ૪૬, ૧૧૧-ઉમરેઠ મતવિસ્તારમાં ૫૯, ૧૧૨-આણંદ મતવિસ્તારમાં ૭૭, ૧૧૩-પેટલાદ મતવિસ્તારમાં ૧૮, ૧૧૪-સોજીત્રા મતવિસ્તારમાં ૨૮ એમ કુલ ૩૦૬ શતાયુ મતદારોનો સમાવેશ થાય છે.

Related posts

Leave a Comment