મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ (EPIC) અથવા અન્ય ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ફોટો ઓળખપત્ર રજૂ કરી મતદાન કરી શકશે

હિન્દ ન્યુઝ, આણંદ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મેના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની લોકસભાની બેઠકની સાથે જિલ્લાની ૧૦૮ – ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. મતદાનના દિવસે એટલે કે, તા. ૭ મી મે ના રોજ મતદારોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ -(ચૂંટણી કાર્ડ) EPIC રજૂ કરી મતદાન કરવાનું હોય છે.

મતદાનના દિવસે જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ – EPIC રજૂ ન કરી શકે તો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ ૧૨ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાર મતદાન કરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ઓળખ પત્ર ન હોય તો આવા મતદારોએ તેની અવેજીમાં ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એન પી આર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખ પત્રો અને યુનિક ડિસેબલલીટી આઈડી કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું હોય આ ૧૨ પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે તેમ જણાવાયું છે.

આમ, આણંદ જિલ્લામાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જે મતદારો પાસે મતદાર ફોટો ઓળખ કાર્ડ- EPIC ન હોય તો મતદારો મતદાન કરવા માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય ઉપરોકત ૧૨ દસ્તાવેજો પૈકી કોઈપણ એક રજૂ કરી મતદાન કરી શકશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment