ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

સુરત જિલ્લાના ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં પદાધિકારીઓએ પોતાના વિસ્તારના જનહિતલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. જે સંદર્ભે કલેકટરએ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં ટેક્ષટાઈલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ અને અન્ય ગુનાઓ બાબતે મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ પોલીસ વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યારે ભેસ્તાન વિસ્તારમાં નવી નિર્માણ પામનાર પોલીસ ચોકીનું બાંધકામ પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પ્રગતિમાં હોવાની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તેમણે ઉધના વિસ્તારમાં સ્લમ તથા શ્રમિક વિસ્તાર વધુ હોઈ જેથી ઉધના પુરવઠા ઝોનની કચેરીનું વિભાજન કરી નવી ઝોન કચેરી ઉભી કરવા તેમજ ઉધના વિસ્તારમાં જેટકોની ગોવાલક લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની રજુઆત કરી હતી.

પાંડેસરા વિસ્તારની જી.આઈ.ડી.સી.માંથી કેમિકલયુકત પાણી ખાડીઓમાં છોડવામાં આવતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા કલેકટરએ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ સેન્ટ્રલ ઝોનમાં મિલકત તબદિલીમાં અશાંત ધારાનો કડકપણે અમલ કરવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહન અકસ્માત યોજના હેઠળ આપવામાં આવતી સહાય યોજનાનો યોગ્ય અમલ ખાનગી હોસ્પિટલો કરે એ અંગેની રજૂઆત કરી હતી. બેઠકમાં ઉર્જા, વીજપ્રવાહ, માર્ગ મકાન વિભાગ, મનપા, ગ્રામ્ય અને શહેર પોલીસ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી અને સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઈ.કલેક્ટરએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત મહાનગરપાલિકા, સિટી સર્વે, માર્ગ મકાન વિભાગ, પંચાયત, પોલીસ વિભાગ સહિતના અધિકારીઓને પ્રશ્નના તુરંત નિરાકરણ માટેની સૂચનાઓ આપી હતી, બેઠકમાં વિભાગીય મુદ્દાઓ જેવા કે, નાગરિક અધિકારપત્રો, બાકી પેન્શન કેસો, ઓડિટ પારાઓની પૂર્તતા અને તેના નિરાકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, સુરત મનપા સહિત વિવિધ સરકારી કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment