હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં તા.૨૭/૧૨/૨૦૨૨ના રોજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટિનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને ગુજરાત સરકારશ્રીના તા.૧૯/૧૦/૨૦૨૨ના નાણા વિભાગના ઠરાવ મુજબ કર્મચારીઓ માટે ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચતર પગારધોરણ આપવાની યોજના મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ.
ડી.પી.સી. કમિટિમાં જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં ૧૦ વર્ષ, ૨૦ વર્ષ અને ૩૦ વર્ષનો ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-૦૩ના કુલ-૧૩૦ કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-૦૪ના કુલ-૨૦૧ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તેમજ ટીકુ કમિશનની ભલામણ અનુસાર વર્ગ-૦૨ના કુલ-૦૧ કર્મચારીને પણ ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ ૧૦ વર્ષ, ૨૦ વર્ષ અને ૩૦ વર્ષ ના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-૯૧ સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા જે સફાઇ કામદારો સ્વૈચ્છિક નિવૃત થયેલ હોય તથા જે સફાઇ કામદારોનું દુ:ખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટિ દ્વારા સમીક્ષા કરતા કુલ-૧૧ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી કમિટિ દ્વારા મંજુરી આપવામાં આવેલ.
આમ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૪૨૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૧ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ.
