ચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોર્ડીંગ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/ બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સુચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મળેલ સત્તાની રૂઈએ ચૂંટણી લક્ષી ચોપાનીયા, ભીતચિત્રો, હોર્ડીંગ, બેનર્સ છાપવા/ લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર નિયમન કરવા નિયમો તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોવાથી નિયમોનું પાલન કરવા ફરમાવેલ છે. જેમાં જણાવ્યા મુજબ રાજકીય પક્ષો/ ઉમેદવારોએ જે સ્થળે ચૂંટણી પ્રચાર માટે સભા રાખી હોય તે સ્થળની અંદર જે સમય દરમિયાન સભા યોજવામાં આવી હોય તેટલા સમય દરમિયાન જ બેનર્સ, હોર્ડીંગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શિત કરી શકાશે અને સભા પૂરી થયા પછી તુર્ત જ સભાના સ્થળે પ્રદર્શિત કરવામાં આવેલ બેનર્સ, હોર્ડીંગ્સ, કટ આઉટ, પોસ્ટર્સ વગેરે દૂર કરવાના રહેશે તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ લાદેલા નિયંત્રણો તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને જો કોર્ટનો કોઈ હુકમ હોય તો તેને આધીન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે તે સીવાય કોઈ ઉમેદવારોએ, રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારોએ કોઈ કટાઉટ દરવાજા (GATES) કે કમાનો (ARCHES) ઉભા કરવા નહીં. જાહેર કે ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્ત પણે અમલ કરવો. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા કોઈપણ ખાનગી મિલ્કત ઉપર કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે જગ્યાના માલિકની પૂર્વ મંજુરી વગર મૂકી શકાશે નહીં અને તેની માપસાઈઝ ભારતીય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કર્યા મુજબની હોવી જોઈશે. કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા કોઈપણ જગ્યાએ કટ આઉટ જાહેરાતના પાટીયા, બેનર વિગેરે મુકતા પહેલા તે અંગેની જાણ સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને કરવાની રહેશે. જ્યાં એક પક્ષે સભાઓ યોજી હોય, એવા સ્થળોએ બીજા પક્ષે સરધસ લઈ જવું નહીં. તેમજ પોતાના પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભિંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહીં અને ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતાં સંકુલો/મકાનો/સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર/ટેકેદારો/મંત્રીશ્રી દ્વારા રાજકીય પ્રવૃતિ માટે થઈ શકે નહીં. અલબત, રાજ્યમાં ચૂંટણી પ્રચારના હેતુ માટે મેદાનો ઉપલબ્ધ ન હોવાથી શાળા અને કોલેજોના મેદાનોનો ઉપયોગ નીચેની શરતોએ પરવાનગી લઈ ઉપયોગ કરી શકશે અને આવી મિટિંગો સવારના ૬:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી જ યોજવાની રહેશે. શાળા અને કોલેજોના શૈક્ષણિક સમયપત્રકને કોઈપણ સંજોગોમાં અસર થવી જોઈએ નહીં. શાળા કોલેજના વ્યવસ્થાપકોને તેની સામે કોઈ વાંધો હોવો જોઈએ નહીં અને શાળા/કોલેજોના વ્યવસ્થાપક મંડળની અને સબ ડીવીઝનલ ઓફિસરની અગાઉથી મંજુરી લીધેલી હોવી જોઈએ. આવી મંજુરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઈએ. કોઈપણ રાજકીય પક્ષને આ મેદાનોનું એકહથ્થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહીં. શાળા/કોલેજોના મેદાનોનો રાજકીય મિટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઈ ભંગને ચુંટણી આયોગ ગંભીરતાથી જોશે અને આ બાબતની જવાબદારી સબ ડીવીઝનલ ઓફિસરશ્રીની રહેશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર દર્શાવેલા ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને તકેદારી લેવાની રહેશે. જો આ મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને કોઈપણ નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત સોંપવું અને જો કોઈ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે પરત સોંપવું. સંબંધિત રાજકીય પક્ષ/પક્ષે મેદાન પરત સોંપતી વખતે નુકશાનનું વળતર ચુકવવા માટે જવાબદાર રહેશે. રાજકીય પક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment