વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભાવનગર જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ મુક્ત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર પરવાનો ધરાવતા વ્યક્તિઓની “Screening Committee દ્વારા પરવાનેધારકોના કેસની સમીક્ષા બાદ ભાવનગર જિલ્લાના ચૂંટણીવાળા વિસ્તારમાં નોંધાયેલ પરવાના હેઠળના હથિયારો જમા લેવા જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર આમુખ -૧ તથા ૨ અને શસ્ત્ર અધિનિયમ -૧૯૫૯ ની કલમ -૧૭ થી મળેલ અધિકારની રૂઈએ આ જાહેરનામામાંથી મુક્તિ આપેલ પરવાનેદારઓ સિવાયના પરવાના હેઠળનાં તમામ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં તા.૧૦/૧૨/૨૦૨૨ સુધીની મુદ્દત માટે સુરક્ષિત જમા કરાવવા આદેશ કરવામાં આવેલ છે. આ જાહેરનામા હેઠળ જમા લેવાયેલ હથિયારો શસ્ત્ર નિયમો -૨૦૧૬ ની જોગવાઈઓ અનુસાર જે તે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવાના રહેશે અને જમા લીધેલ હથિયારોની પહોંચ પણ આપવાની રહેશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયેથી જમા લીધેલ હથિયાર અને દારૂગોળો સંબંધિત કાર્યરત પરવાનેદાર ચૂંટણી દરમ્યાન કોઈ ગુન્હામાં સંડોવાયેલ ન હોય તેની અને પરવાનાની મુદ્દતની ખરાઈ કરી હથિયાર પરત કરવાના રહેશે. આ જાહેરનામું નીચેની વ્યક્તિઓ/ સંસ્થાઓને લાગુ પડશે નહીં. રાષ્ટ્રીયકૃત બેંકો, મુખ્ય ધાર્મિક સ્થળો, રાયફલ ક્લબ અને તેના અધિકૃત સભ્યો, રમતગમતનાં હેતુ માટે રમતવીરનાં અપાયેલ પરવાનાં હેઠળના હથિયારો કે જેમણે વિવિધ કક્ષાએ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે તેઓ ઔદ્યોગિક એકમો, જાહેર સાહસોના નામે મેળવેલ પરવાના/ માન્ય સીક્યુરીટી એજન્સીના પરવાના હેઠળના હથિયાર ધારણ કરતાં હોય તો તે જમા કરાવવાના રહેશે નહીં. ફરજ પરના તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ કે જેઓને પોતાની ફરજ અંગે હથિયાર સાથે રાખવા પડતા હોય તો તે હથિયાર જમા કરાવવાના રહેશે નહીં. પોલીસ અધિક્ષક, ભાવનગરનાઓએ આ હુકમ મુજબની અમલવારી કરાવવી તથા હથિયારો જમા લેવામાં આવે તથા પરત કરવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશનવાઈઝ સંકલિત અહેવાલ અત્રેને રજુ કરવાનો રહેશે. સદરહું જાહેરનામાનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ હથિયાર ધારણ કરતાં જોવામાં આવશે તો સબંધિત પોલીસ અધિકારીઓ તથા સ્થળ પરનાં સુરક્ષાઅધિકારીઓ આ હથિયાર જપ્ત કરી શકશે તથા શસ્ત્ર અધિનિયમ -૧૯પ૯ અને ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment