હિન્દ ન્યુઝ,ભુજ
૩૦ મહિલાઓ દ્વારા સ્થાપિત ગૃહઉદ્યોગને આર્થિક અને માર્કેટીંગ સહાય આપવામાં આવતા મહિલાઓની રોજગારીમાં થયો વધારો કચ્છી મહિલાઓના હુનરકામને વાચા આપતા ભરત ભરેલા પર્સ બન્યા દેશભરમાં ફેશન સિમ્બોલ મહિલા ઉત્કર્ષ અને તેઓ પોતાના પગભર ઉભા રહીને સ્વવિકાસ કરે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. વિવિધ યોજનાઓના માધ્યમથી ગુજરાતની અગણિત મહિલાઓના જીવનમાં સરકારે પ્રકાશ ફેલાવ્યો છે. આવો જ પ્રકાશ મણીપર ગામની ૩૦ મહિલાઓના જીવનમાં ફેલાતા ન માત્ર આ મહિલા પરંતુ તેઓના પરિવારનું જીવનધોરણ પણ ઉંચુ આવ્યું છે. આજે ગૃહઉદ્યોગની મદદથી આ મહિલાઓ ઉન્નત મસ્તક સાથે સ્વમાનભેર જીવન વીતાવીને સમાજને પોતાના અસ્તિત્વનો પરિચય આપી રહી છે. હા વાત કરવી છે, નખત્રાણા તાલુકાના મણીપર ગામના ગાયત્રી સખી મંડળની. જે આજે વટવૃક્ષ બનીને અનેક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની છે. રાજય સરકાર દ્વારા સખી મંડળોની સ્થાપના તથા ત્યાર બાદ તેઓને વિવિધ સ્કીલની તાલીમ સાથે આર્થિક સહયોગ આપવાની કામગીરીથી સરહદી કચ્છમાં સેંકડો સખીમંડળ મહિલાઓના ઉત્થાનનું માધ્યમ બન્યા છે. જેમાં ખોબા જેટલા નાનકડા ગામ મણીપરની મહિલાઓ ઘર બેઠા માસિક રૂ. ૨,૦૦૦ થી ૧૦,૦૦૦ની કમાણી કરી રહી છે. આ અંગે સખી મંડળના ધરતીબેન ઠક્કર જણાવે છે કે, વર્ષ ૨૦૧૪થી અમે ગૃહઉદ્યોગની સ્થાપના કરી હતી. જેમાં. પર્સ, તોરણ , ભરતકામના પેચવર્ક, વોલપીસ સહિતની અનેક પ્રોડકટ બનાવાય છે. મહિલાઓને ઘરે જઇને તમામ માલ આપવામાં આવે છે, જે તૈયાર થયા બાદ ઘરેથી જ લઇ લેવામાં આવે છે. આમ, મહિલાઓને કોઇપણ જાતની ઝંઝટ કે સમસ્યા વગર કામ મળી રહે છે. તેઓ પરિવારની સાર-સંભાળ સાથે આરામથી કામ કરી શકે છે સખી મંડળ દ્વારા જે પણ પ્રોડકટ બનાવવામાં આવે છે તે વેપારીઓ તથા ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી વેચાણ કરવામાં આવે છે. સાથે જ સરકાર દ્વારા દેશ તથા રાજયમાં વિવિધ ભરાતા મેળામાં નિ:શુલ્ક માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવતું હોવાથી સમગ્ર ભારત તથા રાજયના લોકો સુધી કચ્છી ભરતકામની કળા પહોંચી છે. ઉપરાંત વેચાણ વધતા મહિલાઓને નફો થવા સાથે પ્રોત્સાહન પણ પ્રાપ્ત થયું છે.