હિન્દ ન્યુઝ, વલસાડ
શ્રીમદ્ રાજચંદ્ર વિધાપીઠ ધરમપુર ખાતે ૪ થી ૬ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન “નેશનલ હેન્ડ્સ-ઓન વર્કશોપ ઑન મોલેક્યુલર ટેક્નિક્સ ફોર ઇનોવેશન, લર્નિંગ એન્ડ એક્સપ્લોરેશન” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ ધરમપુરમાં કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ આજે માત્ર એક શિક્ષણ કેન્દ્ર તરીકે નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના ઉભરતા રિસર્ચ અને પ્રયોગાત્મક શિક્ષણના હબ તરીકે પ્રગતિ પામી રહી છે. તેનું કારણ છે, આજના વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીપ્રધાન યુગમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રયોગાત્મક ચોકસાઈ, ડેટા વિશ્લેષણ ક્ષમતા તથા નવીનતાપ્રેરિત વિચારશક્તિનો વિકાસ થાય તે અર્થે તેઓ દ્વારા અવારનવાર યોજાતા ઉચ્ચ સ્તરના પ્રયોગાત્મક વર્કશોપ, સેમિનારો વગેરે. પ્રસ્તુત વર્કશોપ એ જ દ્રષ્ટિનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
પ્રસ્તુત વર્કશોપમાં ધરમપુર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ, સિલવાસા તથા જુનાગઢ સહિતના વિસ્તારોમાંથી ૧૬ કોલેજોના ૮૦ થી વધુ સ્નાતક, અનુસ્નાતક અને રિસર્ચ સ્કોલર તેમજ અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપમાં વિદ્યાર્થીઓને DNA એક્સ્ટ્રેક્શન, PCR , RFLP , લાઇગેશન, સિક્વેન્સિંગ ડેટા એનાલિસિસ તથા CRISPR જેવી આધુનિક મોલેક્યુલર બાયોલોજી ટેક્નિક્સ અંગે પ્રાયોગિક લેબોરેટરી તાલીમ આપવામાં આવી હતી.
વર્કશોપ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પાર્ટિસિપન્ટ્સમાં પ્રયોગાત્મક સમજ અને સંશોધનક્ષમતા વિકસાવવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ હતી. તેમના નામ છે :
1. ડૉ. રામાકૃષ્ણન સીતારમન – પ્રોફેસર અને ડીન (એકેડેમિક), ટેરી સ્કુલ ઓફ એડવાન્સડ સ્ટડીસ, નવી દિલ્હી
2. ડૉ. સન્માન સમોવા – સાયન્ટિસ્ટ-B, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ગાંધીનગર
3. ડૉ. ભાર્ગવ પટેલ – એસોસિએટ પ્રોફેસર અને હેડ, સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન DNA ફોરેન્સિકસ, NFSU (National Forensic Sciences University), ગાંધીનગર.
4. ડૉ. ગૌરવ શાહ – પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજી, VNSGU (Veer Narmad South Gujarat University), સુરત.
5. ડૉ. જ્યોતીર્મોઇ એચ – DGM (R&D) અને પ્રી-ક્લિનિકલ હેડ, માઇક્રો ક્રિસ્પર, વાપી.
પાર્ટિસિપન્ટ્સે વર્કશોપ દરમિયાન ઉપલબ્ધ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધાઓ, નિષ્ણાત માર્ગદર્શન અને પ્રયોગાત્મક અભ્યાસ આધારિત તાલીમ અંગે સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ, નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર આવા વધુ રાષ્ટ્રીય સ્તરના હેન્ડ્સ-ઓન વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે તેવી ભાવના વ્યક્ત કરી.
પ્રતિભાવો :
ડૉ. રામાકૃષ્ણન સીતારમને જણાવ્યું:
“શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં યોજાયેલ આ વર્કશોપ સંશોધન અને પ્રયોગાત્મક શિક્ષણના દૃષ્ટિકોણથી એક સમૃદ્ધ અનુભવ રહ્યો. પ્રાયોગિક અભિગમ, સચોટ લેબોરેટરી પ્રોટોકોલ, રિયલ-ટાઈમ ટ્રબલશૂટિંગ અને વૈજ્ઞાનિક ચર્ચાઓએ વિદ્યાર્થીઓમાં વિશ્લેષણાત્મક ક્ષમતા તથા પ્રયોગાત્મક આત્મવિશ્વાસ વિકસાવ્યો. આયોજન કરનાર ફેકલ્ટી ટીમની શૈક્ષણિક નિષ્ઠા, ટેક્નિકલ કુશળતા અને સુવ્યવસ્થિત સંકલન આ કાર્યશાળાની સફળતામાં મહત્વપૂર્ણ રહ્યા.”
આર્ચી પટેલ (રિસર્ચ સ્કોલર, ગાંધીનગર યુનિવર્સિટી)એ જણાવ્યું:
“આ નેશનલ હેન્ડ્સ-ઓન વર્કશોપ દ્વારા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મોલેક્યુલર બાયોલોજીની આધુનિક ટેક્નિક્સ અંગે પ્રાયોગિક તાલીમ મેળવવાની અનોખી તક મળી, જેનાથી વિષય પ્રત્યે વધુ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ વિકસ્યો. અહીંની આધુનિક લેબોરેટરી અને ફેકલ્ટીના માર્ગદર્શનને કારણે શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક અને સુગમ બની. આ વર્કશોપે મારા સંશોધન અભિગમને નવી દિશા આપી છે અને ભવિષ્યમાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે.”
અક્ષિતા દાસ (અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી, એસ.એસ.આર. કોલેજ ઓફ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ, સિલવાસા) એ જણાવ્યું:
“આ વર્કશોપ દ્વારા મને સમજાયું કે મોલેક્યુલર બાયોલોજી માત્ર પ્રયોગોની શ્રેણી નથી, પરંતુ વિચારવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રાયોગિક સત્રોએ મને પ્રશ્ન પૂછવા, પરિણામોનું મૂલ્યાંકન કરવા અને નવી દૃષ્ટિએ વિચારવા પ્રેરણા આપી . આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેનો આત્મવિશ્વાસ અને જિજ્ઞાસા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. હું માનું છું કે આ અનુભવ મારા શૈક્ષણિક વિકાસમાં લાંબા ગાળે ઉપયોગી રહેશે. ”
આમ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે ગ્રામીણ વિદ્યાર્થીઓને લેબોરેટરીની સીમાઓથી આગળ વિચારી સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો શોધવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે એક સશક્ત માળખું પ્રદાન કર્યું છે.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

