ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા જિલ્લા કક્ષાના રમત-ગમત મેદાન ખાતેથી આવતીકાલે સાંજે ૬-૩૦ કલાકે લોન ટેનિસ આઇ.જી. કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રાયોગિક ધોરણે યોજાયેલ આઇ.જી. કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ કપની શરૂઆત કરવામાં આવશે.

તા. ૧૦ જૂન, ૨૦૨૨ ૨૦ થી તા. ૩૦ જૂન, ૨૦૨૦ એમ કુલ ૧૦ દિવસ સુધી આ લોન ટેનિસ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ૧૦ કેટેગરીમાં ૯ વર્ષથી લઈને ૩૪ વર્ષના ટેનિસના ખેલાડીઓ ભાગ લેશે.

આ સ્પર્ધામાં ભાવનગર અને અન્ય જિલ્લામાંથી ૧૭૮ લોકો ભાગ લઇ પોતાની રમત- ગમતની કુશળતાનું પ્રદર્શન કરીને પોતાની ખેલ પ્રતિભાના ઓજસ પાથરશે. આટલાં બધાં ખેલાડીઓની નોંધણી આ રમત માટેની ચાહના બતાવે છે કે, ભાવનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં તેની ચાહના વધી રહી છે.
આ સ્પર્ધાને સફળ બનાવવાં માટે તનિષ્ક જ્વેલર્સના મુકેશ જોધવાણી, એસ. એસ. કોલેજના ડો.દેવાંગ રંગાણી, બેસીલ પાર્ક હોટલના શ્રીચિન્મય શાહ અને મમતા ટેનિસ એકેડમીના સૌરભ મિશ્રા અને ટીમ, છેલ્લાં ૨૦ દિવસથી તેને સફળ બનાવવાં માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યાં છે.

ભાવનગરમાં બાસ્કેટબોલ, ટેનિસ ટેબલ, ટેનિસ ક્રિકેટ અને સ્કેટિંગની સ્પર્ધાનું આયોજન ખૂબ જ થતું હોય છે, તેવાં સમયે લોન ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન ખેલના ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે.

આ પ્રકારની રમતના કારણે ભાવનગરમાં પણ આવી રમતો માટેનું એક વાતાવરણ બનશે. ભાવનગરમાંથી તૈયાર થયેલા ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત અને દેશનું નેતૃત્વ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવાં સાથે તેમાં એક કે બીજી રીતે સહભાગી થવાં માટે પણ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે ઇજન પાઠવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment