હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ- ૧૦ તથા ધોરણ- ૧૨ ની માર્ચ-૨૦૨૨ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ તેમને મળેલ અધિકારની રૂએ આગામી તા.૨૮/૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી ધોરણ-૧૦ ની માર્ચ-૨૦૨૨ ની પરીક્ષાના સમય સવારના ૧૦-૦૦ થી ૧૩-૧૫ કલાક અને ધોરણ- ૧૨ ની પરીક્ષાના સમય સવારના ૧૦-૦૦ થી ૧૮-૧૫ કલાક દરમ્યાન ધોરણ-૧૦ ની કુલ- ૩૬ પરીક્ષા કેંદ્ર, ધોરણ- ૧૨(સામાન્ય પ્રવાહ) કુલ- ૧૫ પરીક્ષા કેન્દ્ર તથા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના કુલ- ૦૪ પરીક્ષા કેન્દ્રો માટે જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ ઝેરોક્ષ / ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ કરવા પર, મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન તેમજ પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ