હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર -૨૦૨૬’ નો તા.૨૬/૨/૨૦૨૬ થી પ્રારંભ થનાર છે. આ ડાંગ દરબારનો મેળો તા.૩/૩/૨૦૨૬ સુધી આહવા ખાતે યોજાશે.
‘ડાંગ દરબાર’ના આ ઐતિહાસિક લોકમેળામાં ૪૫ થી વધુ સ્થાનિક સખી મંડળના સ્ટોલ તથા બહારના ૯૫૦ થી વધુ વેપારીઓને પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. સાથે જ જિલ્લાના અન્ય સખી મંડળોને પણ સ્ટોલ ફાળવણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાંગ દરબારનો મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને એક જ સ્થળેથી ‘પ્રાકૃતિક ડાંગ’ ની વિવિધ પેદાશો, સાથે હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવાનો લહાવો મળી રહે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રે વિશેષરૂપે સખી મંડળોના સ્ટોલ્સ ઊભા કરી, મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા સાથે મહિલાઓને રોજગારી મળી રહે હે હેતુસર ડાંગ દરબારમાં સ્તુત્ય પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન તેમજ ‘વોકલ ફોર લોકલ’ તથા ‘મહિલા સશક્તિકરણ’ના સંકલ્પને ચરિતાર્થ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાના જુદા જુદા ગામો ઉપરાંત પાડોશી તાપી જિલ્લામાંથી પણ જુદા જુદા મંડળો દ્વારા પણ તેમના ઉત્પાદનો અને સેવાઓના સ્ટોલ્સ ઊભા કરી, દરબારીઓને એક જ સ્થળે ખરીદીનો અવસર પુરો પાડવામાં આવશે. જેનો લાભ લેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
