ભાઈ-બહેન ભક્તિધામના ઉદ્ઘાટન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યની વિશેષ ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, સાંતલપુર

પાટણ સાંતલપુર તાલુકાના સિધાડા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ભાઈ-બહેન ભક્તિધામના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સમક્તિ નિધિ પરિવાર દ્વારા નવનિર્મિત જીનપ્રાસાદ અને વિહારધામના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષએ આચાર્ય ભગવંતોના દિવ્ય વચનનું શ્રવણ કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું કે, જૈન ધર્મમાં જન્મ અને તેના સંસ્કારો થકી પુણ્યોદય શક્ય છે, તેથી મહારાજ સાહેબોના પ્રવચનોને પોતાના જીવનમાં ઉતારી મૂંગા પશુઓ અને દરિદ્ર નારાયણની તન-મન-ધનથી સેવા કરીએ. કારણ કે આચાર્યોના પ્રવચનોમાંથી ઉદભવતા ભાવથી માનસિક શુદ્ધિ થાય છે, માટે સતત આવા સંતોના સમાગમમાં રહો જેના થકી ધર્મના સંસ્કારો જાળવાઈ રહે. વધુમાં વિધાનસભાના અધ્યક્ષએ ઉમેર્યું કે, લગભગ 2200 વર્ષ જુના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ગુરૂદેવોના આશિર્વાદથી જ સંપન્ન થઈ શકે છે. આજે પૂજ્ય આચાર્ય ભગવંતોના દર્શનનો લાભ મળ્યો તે બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું. કચ્છ વાગડ દેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ વિજયકનક સૂરિશ્વરજી મહારાજાના શુભાશિષથી આધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજયકલાપૂર્ણ સૂરિશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજયકલાપ્રભ સૂરિશ્વરજી મહારાજા તથા અધ્યાત્મનિષ્ઠ આચાર્ય શ્રીમદ વિજયકલ્પ સૂરિશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં સાંતલપુર તાલુકાના સિધાડા ખાતે ત્રિદિવસીય જિનબિંબ પ્રભુ પ્રતિષ્ઠા, ભાગવતી દીક્ષા તથા ભક્તિધામ સ્થાનના ઉદઘાટન સમારોહમાં ગાંધીધામના ધારાસભ્ય સુ માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment