‘યાત્રી કૃપયા ધ્યાન દે…..” રેલ્વેના એનાઉન્સર કિરીટભાઈએ નિવૃત્તિ બાદ શાસ્ત્રીય ગીત સંગીતમાં નિપૂણતા હાંસલ કરી

હિન્દ ન્યુઝ, 

૩૩ રાગના ૩૯ સ્વરાંકનમાં હનુમાન ચાલીસા ગાવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી

૩ર વર્ષની યશસ્વી કારકિર્દીમાં ૧૬ થી વધુ રેલ્વે એવોર્ડ અને પુરસ્કાર મેળવ્યા

             ઈશ્વર દરેકને કોઈ ને કોઈ વિશિષ્ઠ શક્તિ સાથે જ ધરતી પર મોકલતા હોઈ છે. જરૂર છે તે શક્તિને ઓળખી તેને યોગ્ય દિશા આપવાની. આવા જ એક ઉદાહરણીય વ્યક્તિ છે કિરીટભાઈ ઉપાધ્યાય. જેને ઈશ્વરે મધુર ધ્વનિની બક્ષીશ આપેલી છે. કિરીટભાઈએ રેલવેમાં એનાઉન્સરની ભૂમિકા થકી તેમના અવાજથી લાખો યાત્રિકોને પ્રભાવિત કર્યા છે. “યાત્રિ કૃપા ધ્યાન દે…” એ વાક્ય સાંભળતા જ રેલ્વેમાં મુસાફરી માટે જતા પ્લેટફોર્મ પર ઉપસ્થિત યાત્રિકોના કાન સળવા થઈ જાય. ને ચોક્કસ આપણા માટે કોઈ સૂચના છે તેમ ખ્યાલ આવે. અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં મીઠા મધુર અવાજમાં તમે ટ્રેનની વિગત સાંભળો ત્યારે જ ધરપત થાય. આ બેસ્ટ એનાઉન્સર બીજા કોઇ નહી કીરીટભાઇ ઉપાધ્યાય જ હોય. બેસ્ટ એનાઉન્સર તરીકેના અનેક એવોર્ડ રેલવેમાં કીરીટભાઇને મળ્યા છે. સાથોસાથ સેફટી વીક અવેરનેસ માટેના કાર્યક્રમો, નુકકડ પ્લે ઉપરાંત વેસ્ટર્ન રેલ્વે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમો, ડ્રામા અને મ્યુઝીકમાં પણ એવોર્ડ મેળવ્યા છે.

રેલ્વેમાં ૩ર વર્ષની યશસ્વી ફરજ બજાવી નિવૃત્ત થયેલા કીરીટભાઈ ઉપાધ્યાય તેમની આંખની તકલીફ છતાં રેલ્વેની નોકરીમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી અલગ અલગ કેટેગરીના કુલ ૧૬ થી વધુ રેલ્વે એવોર્ડ અને પુરસ્કાર મેળવ્યા છે. કિરીટભાઈ મૂળ તો ગીત – સંગીત અને સાંસ્કૃતિક કલાનો જીવ. નિવૃત્તિ બાદ કંઇક નવું જ કરવાની ઇચ્છાએ તેમણે સંગીતનો રીયાઝ શરૂ કર્યો. પરિવારમાં બંને દિકરીઓ પણ શાસ્ત્રીય ગીત સંગીતમાં પારંગત એટલે ઘરનો માહોલ જ સંગીતમય, એમાંય દિવ્ય જીવન સંધ સાથે છેલ્લા પંદર વર્ષથી જોડાયેલા, એટલે આધ્યાત્મિકતાનો રંગ ભળ્યો. તેમને કંઈક અનોખું કરવાની ઈચ્છા જાગી, અને શરૂ થઇ હનુમાન ચાલીસાના ૩૯ જેટલા અલગ અલગ સ્વરાંકનમાં શાસ્ત્રીય સંગીતના પ્રચલિત એવા ૩૩ રાગમાં ગાવાની સતત પ્રેકટીસ કરી. સામાન્ય રીતે કોઇ એક કૃતિ, ભજન, કે ગઝલને મુળ કમ્પોઝીશનમાંથી બીજા કમ્પોઝીશનમાં ગાવાનું થાય તો પણ ખૂબ જ મુશ્કેલી થતી હોય જયારે શ્રી હનુમાન ચાલીસાના ૩૯ જેટલા સ્વરાંકન તેઓ ખુબ જ સરળતાથી ગાઇ શકે છે. જીવનના બીજા પડાવમાં કિરીટભાઇ ઉપાધ્યાય તેમના શાસ્ત્રીય જ્ઞાનના શોખને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં આધ્યાત્મિક સંગીત પીરસી રહયા છે

Related posts

Leave a Comment