હિન્દ ન્યુઝ, રાજકોટ
જસદણ તાલુકાના વેરાવળ(ભાડલા) ગામે રૂા. ૨૧.૯૧ લાખના ખર્ચે ‘‘વાસ્મો’’ દ્વારા તૈયાર થનાર ઘરે ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવાની આંતરીક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશના પ્રત્યેક ઘરોમાં નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચતું કરવાના મહત્વાકાંક્ષી ‘‘હર ઘર નલ સે જલ’’ અભિયાનને ગુજરાત રાજયમાં વર્ષ ૨૦૨૨માં જ પરીપુર્ણ કરવાના લક્ષ્યાંક સાથે થઇ રહેલ કામગીરીની વિગતો આપતાં મંત્રી બાવળીયાએ આ વિસ્તારમાં થઇ રહેલ શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વિજળી સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના કામોની વિસ્તૃત માહિતી આપી જસદણ અને વિંછીયા તાલુકાની કાયાપલટ કરવા રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. ૧૫૯૫ લોકોની અંદાજીત વસ્તી ધરાવતા વેરાવળ(ભાડલા) ગામમાં રૂા. ૨૧.૯૧ લાખના માતબર ખર્ચે તૈયાર થનાર ‘‘વાસ્મો’’ હેઠળની આ યોજનામાં રૂા. ૧૪.૪૬ લાખથી વધુના ખર્ચે આંતરીક વિતરણની પાઇપલાઇન, રૂા. ૨.૮૨ લાખના ખર્ચે ૫૦,૦૦૦ લીટરની ક્ષમતાનો સંપ, રૂા. ૭૯ હજારથી વધુ ખર્ચે પંપ રૂમ, રૂા. ૩.૫૨ લાખથી વધુના ખર્ચે ૨૨૬ ઘરોમાં નળ જોડાણ, રૂા. ૨૮ હજારથી વધુ ખર્ચે ૬.૫ હોર્સ પાવરની પમ્પીંગ મશીનરી, લાઇટ કનેકશન તથા અન્ય આનુષંગિક માળખાકીય કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગામના સરપંચ અને પાણી સમિતીના અધ્યક્ષ દુધીબેન કોબીયા, મામલતદાર ઝાલા, તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ‘‘વાસ્મો’’ના યુનીટ મેનેજર પી.એન. ત્રિવેદી, આસી.કો-ઓર્ડીનેટર વિપુલભાઇ ડેરવાણીયા, આસી. એન્જીનીયર નીતીનભાઇ બાવળીયા તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.