ડભોઇ-દર્ભાવતીના પૌરાણિક ગઢ ભવાની માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમની ભક્તિભાવપૂર્વક ઉજવણી

હિન્દ ન્યૂઝ, ડભોઈ

ડભોઇ- દર્ભાવતિ એ ઐતિહાસિક સ્થાન ધરાવતી નગરી છે. આ નગરી ૯૦૦ વર્ષ પૂર્વે કલાત્મક દરવાજાઓ સાથે નિર્માણ પામી હતી અને નગરના રક્ષણ કાજે ચારેય દિશાઓમાં ચાર દેવીઓનું સ્થાપન કરાયું હતું. જેમાં હાલમાં હીરાભાગોળ માં આવેલ ગઢ ભવાની માતાજીનું મંદિર અભૂતપૂર્વ ઐતિહાસિક સ્થાન ધરાવે છે. આ મંદિરે હાલમાં ચાલી રહેલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માઇભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને ચૈત્રી આઠમના રોજ આ મંદિરે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હવન કરવામાં આવનાર છે. જેનો લાભ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માઈભક્તો લઇ શકશે.
ચૈત્રી આઠમના રોજ આ મંદિરમાં માતાજીના દર્શને અને મહાઆરતીનો લાભ લેવા માટે માઈભક્તો આવતા હોય છે અને માઈ ભક્તોમાં ચૈત્રી આઠમના દર્શનનું ખૂબ જ મહત્વ હોય છે. વર્ષો પહેલા ગઢભવાની માતાજીને સોના, ચાંદી ,હીરા, મોતીનો શણગાર ગાયકવાડી શાસનમાં નવરાત્રી દરમિયાન પહેરાવવા માટે આવતો હતો‌. ૯૦૦ વર્ષ પૂર્વે રાજપૂત વંશના વિશળદેવ રાજાના શાસન દરમિયાન ઐતિહાસિક દર્ભાવતિ નગરી જે હાલનું ડભોઇ નગરની રચના કરવામાં આવી હતી. નગરની ચારેતરફ લાલ પથ્થર ના કિલ્લા અને ચાર ભાગોળના કલાત્મક દરવાજા શિલ્પી હીરાધરના નેતૃત્વમાં બન્યા હતા. તે હાલમાં દર્ભાવતી નગરનો ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક ગરિમાની શાખ પૂરે છે. હીરાભાગોળ માં આવેલ ગઢભવાની માતાજીની ગણના વિશળદેવ રાજાની કુળદેવી તરીકે થાય છે. હાલમાં ચાલતાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવમાં ગઢભવાની માતાજીના મંદિરને ધજા પતાકા અને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરે સવારે ૯:૧૫ કલાકે અને સાંજના ૭:૧૫ કલાકે મહાઆરતી થાય છે. જેનો લાભ માઈ ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને લઇ રહ્યા છે. મંદિરના પૂજારી અને વહીવટકર્તા ભગવતીપ્રસાદ ભટ્ટ અને રાજુભાઈ ભટ્ટ ને પૂછતાં જાણવા મળેલ છે ભૂતકાળમાં ગઢભવાની માતાજીના શણગાર માટે વડોદરાના ગાયકવાડ સરકારના ખજાનામાં સંગ્રહ કરેલ સોના, ચાંદી, હીરા, મોતી ના શણગાર નવરાત્રી દરમિયાન ડભોઇ આવતા હતા પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ અને કરોડો રૂપિયાના દાગીના સાચવવા માટે સરકાર દ્વારા પૂરતો બંદોબસ્ત અપાતો ન હોવાથી આ દાગીનાના શણગાર હવે આવતા નથી. મંદિરના વહીવટ કર્તા અને પુજારી દ્વારા રોજેરોજ જુદા -જુદા શણગાર કરવામાં આવે છે. ચૈત્રી આઠમના રોજ આ મંદિરે હવન કરવામાં આવશે. જેનો લાભ ડભોઇ નગર અને તાલુકાના માઇભકતો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને લઇ શકશે. અને આ ઉપરાંત ડભોઇ નગરમાં આવેલ તમામ માતાજીના મંદિરોમાં ચૈત્ર સુદ આઠમના હવનના દર્શનનો લાભ તમામ માઇભક્તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને લઇ શકશે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment