હિન્દ ન્યૂઝ, દાહોદ
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ કોરોના વેક્સીનના વધામણા
કર્યા
દાહોદને ફાળવવામાં આવેલો કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આજ બુધવારના મોડી સાંજે આવી પહોંચ્યો હતો. દાહોદને ભારત બાયોટેક નિર્મિત કોવિશિલ્ડના ૧૫૮૮૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આરોગ્ય વિભાગના કોલ્ડ સ્ટોરેઝમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવ્યો છે. આજે આરોગ્ય વિભાગનું એક ખાસ વેક્સીન વાહન વડોદરા ખાતે આ જથ્થો લેવા માટે પહોંચી ગયું હતું. તેની સાથે પોલીસ વિભાગના સુરક્ષાકર્મીને પણ મોકલવામાં આવ્યા હતા. તે વેક્સીન વાહન દાહોદ ખાતે મોડી સાંજના સુરક્ષિત રીતે પહોંચી ગયું હતું.
આરોગ્ય વિભાગના ડ્રગ્ઝ સેન્ટર ખાતે આ વાહન પહોંચ્યું તે વેળાએ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર વિજય ખરાડી દ્વારા તેના વધામણા કરવામાં આવ્યા હતા. આ મહાનુભાવોએ સાથે લોકઆરોગ્યની મંગલકામના પણ કરી હતી.
દાહોદના આરોગ્ય તંત્ર પાસે કોરોના વેક્સીનને સંગ્રહિત કરી શકાય એવા ત્રણ નવા સાથે કુલ ૧૦ આઇસ લાઇન રેફ્રિઝરેટર છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા ૫ લાખ ડોઝ જેટલી છે. અહીં કડક પોલીસ જાપમાં કોરોના વેક્સીન રાખવામાં આવી છે. દાહોદ નગરમાં આઠ કેન્દ્રો ઉપર પ્રથમ તબક્કામાં વેક્સીનેશનની કામગીરી કરાશે. તા.૧૬મીથી ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી વેક્સીનનો કાર્યક્રમ શરૂ થશે. આરોગ્યકર્મીઓને પ્રથમ રસીકરણ કરવામાં આવશે. કોરોના વેક્સીનને આવકારવાના અવસરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુ.નયના પાટડિયા, ડો. કેવલ પંડ્યા, જિલ્લા ઔષધાધિકારી જાટવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ