બોડેલી ખાતે યોજાનારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તડામાર તૈયારી

હિન્દ ન્યુઝ, બોડેલી

આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉપસ્થિત રહી રૂા. ૧૫૪.૭૯ કરોડની ત્રણ પાણી પુરવઠા યોજનાઓ, રૂા. ૧૦.૮૨ કરોડના માધ્યમિક શાળાના મકાનો તથા ૪૮.૬૯ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સખી સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનું લોકાર્પણ મળી રૂા. ૧૬૬.૦૭ કરોડના કામોનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત તેઓ આગામી સમયમાં બનાવવામાં આવનાર રૂા. ૯૯.૦૩ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૧, રૂા. ૯૮.૫૧ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૨, રૂા. ૯૭.૦૧ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૩ યોજના તથા નસવાડી અને કવાંટ તાલુકાના ૭૩ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટેની રૂા. ૯૧.૧૦ કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના તથા છોટાઉદેપુર જિલ્લાના ૧૨૭ ગામોને પીવાનું પાણી પુરૂં પાડવાની રૂા. ૬૧.૪૪ કરોડની પાણી પુરવઠા યોજના મળી કુલ રૂા. ૪૪૭.૦૯ કરોડની જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ સુપેરે ગોઠવાય એ માટે જિલ્લા કલેટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સુપેરે આયોજન માટે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

બોડેલી એ.પી.એમ.સી ખાતે યોજાનારા આ કાર્યક્રમના સ્થળે સભામંડપ, ડાયસ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સહિતની વ્યવસ્થાઓ માટે જુદા જુદા વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીને પાર પાડવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા તેમના અધિકારી/કર્મચારીઓને તમામ વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment