નવલા નોરતા નજીક આવતા માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા નવરાત્રિના અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયેલ છે. ત્યારે શહેરના રૃવાપરી રોડ, કુંભારવાડા, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં માટીના ગરબાના ઉત્પાદનકેન્દ્રોમાં સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેઘરાજાની કૃપાદ્રષ્ટિ અવિરત રહેતા તડકો ન નિકળતા ગરબાનુ ઉત્પાદનકાર્ય વિલંબમાં પડયુ હતુ. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે.

નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એકાદ માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૃ કરી દેતા હોય છે. નારી આસપાસના તળાવમાંથી આ પરિવારો ચીકણી માટી લાવીને તેને ભારે જહેમત ઉઠાવીને ખુંદવામાં આવે છે. ત્યાર બાદ તેને માટીના હાથથી ચલાવાતા અને હાલ મોટા ભાગના સ્થળોએ ચાલતા ઈલેકટ્રોનિકસ ચાકડા ઉપર માટીના પીંડા મુકીને તેને એક એકથી ચડીયાતા અવનવા ઘાટ આપવામાં આવે છે. માટીકામના કલાકારો પણ તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપવામાં મશગુલ બન્યા છે.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment