હિન્દ ન્યુઝ, દાહોદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણ વિઝન સાથે સુસંગત સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજયવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે તા. ૧૧/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં “સશકત નારી મેળાઓ” નું આયોજન કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં સશક્ત નારી મેળાનું સુચારું આયોજન માટે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવા સદન દાહોદ ખાતે બેઠક યોજાઇ હતી.
મહિલા સ્વ-સહાય જૂથ/સખી મંડળો દ્વારા ઉત્પાદિત તેમજ કૃષિ વિભાગના, મહિલા આર્થિક વિકાસ નિગમ, કોટેજ ઈન્ડસ્ટ્રી, વન પર્યાવરણ અને કો-ઓપરેટિવ વિભાગ દ્વારા સ્ટોલનું આયોજન કરી પ્રદર્શન સહ વેચાણ હેતુ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વદેશી અભિયાન અંતગર્ત ’સશકત નારી મેળા’ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે સીધુ બજાર મળી રહે અને તેઓને આત્મનિર્ભર બનાવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી તારીખ ૧૮ ડિસેમ્બર થી ૨૦ ડિસેમ્બર સુધી ટ્રાઈબલ મ્યુઝિયમ ઇન્દોર હાઈવે દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ આયોજિત ’સશકત નારી મેળા’માં ૫૦ સ્ટોલ લગાવવામાં આવશે.
આ કાર્યક્રમ સ્થળે સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, લાઇટ વ્યવસ્થા, સ્ટોલ મેનેજમેન્ટ અને પ્રતિ સ્ટોલ ગાઈડની વ્યવસ્થા, કલ્ચર પ્રોગ્રામ મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા અને ચોકસાઈ મેનેજમેન્ટ, મહાનુભાવોના લાયઝનિંગ અને અલ્પાહાર વ્યવસ્થા, સ્ટોલના બહેનોના રોકાણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, વીજપુરવઠો, આરોગ્ય, ફાયર સેફટી વિગેરે મહત્વના મુદ્દાઓ પર મંત્રી રમેશ કટારા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
સશક્ત નારી મેળા થકી મહિલા ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો(SHGs), મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિક દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓને માટે પ્રેરણા સ્ત્રોત બનશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, મહિલા કેન્દ્રિત સરકારી યોજનાઓ અને કાર્યક્રમ વિશે જાગૃતિ ફેલાવી તથા લખપતિ દીદીઓ અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સિદ્ધિઓને સન્માનિત કરવાનો છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર જે એમ રાવલ, DYSP, DRDAના જીલ્લા લાઈવલીહુડ મેનેજર સુકુમાર ભુરીયા સહીત સબંધિત વિભાગના આધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
