હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જામનગર શહેર તથા જિલ્લાના સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત યોજના, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી-જુદી ગ્રાન્ટ હેઠળ ₹622.52 કરોડના કુલ 69 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટેના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા છે. મુખ્યમંત્રીએ આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રે જામનગરના ગૌરવ અને છેલ્લા ત્રણ દિવસના કચ્છ-સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલ વિકાસ કામોની વણઝાર અંગે સૌને માહિતગાર કરી, રાજ્યના દરેક શહેરોના સર્વાંગી વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા, પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવા તેમજ જળસંચય માટે જાગૃત થવાનો સૌ નગરજનોને અનુરોધ કર્યો હતો.

