હિન્દ ન્યુઝ, બોટાદ
કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલાં પાકનાં ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોનાં હિતમાં લેવામાં આવેલાં આ નિર્ણયથી સમગ્ર બોટાદ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બોટાદ જિલ્લામાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું, જેનાં કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહારો પૂરો પાડવા રૂ. ૧૦ હજાર કરોડનાં વિશાળ પેકેજની જાહેરાત કરી છે, જેનાથી ખેડૂતોમાં નવી આશા અને વિશ્વાસ જન્મ્યો છે.
બોટાદ તાલુકાનાં રતનપર ગામનાં ખેડૂત કરમશીભાઈ ધરમશીભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે, “અતિવૃષ્ટિથી થયેલાં નુકસાન બાદ સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તે ખરેખર ખુબ જ સરાહનીય છે. આ નિર્ણય સાબિત કરે છે કે સરકાર ખરેખર ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ છે. અમે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.”
તે જ રીતે લાઠીડળ ગામનાં ખેડૂત પરષોત્તમભાઇ નરસિંહભાઈ માથોડીયાએ પણ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અતિવૃષ્ટિ પછી પરિસ્થિતિ ખરેખર કઠિન બની હતી, પરંતુ સરકારે સમયસર સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. આ પેકેજથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળશે અને અમે ફરીથી ખેતી પ્રત્યે વિશ્વાસ સાથે આગળ વધી શકીશું.”
બોટાદ ગામનાં ખેડૂત ચંદુભાઈ પ્રેમજીભાઈ પટેલએ પણ સરકારનાં નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા જાહેર કરાયેલું આ પેકેજ ખેડૂતો માટે જીવનદાયી સાબિત થશે. રાજ્ય સરકારે લીધેલું આ પગલું ખેડૂત હિત માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
રાણપરી ગામનાં ખેડૂત આશિષભાઈ વાલજીભાઈ મોરડીયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, “અતિવૃષ્ટિ પછી ખેડૂતોને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તેમાં સરકારનું આ સહાય પેકેજ મોટી રાહત આપી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય ખેડૂતોનાં મનોબળને મજબૂત બનાવે છે.”
રાજ્ય સરકારનું આ કૃષિ સહાય પેકેજ ખેડૂતોને કુદરતી આફતના સમયમાં આર્થિક સહારો પૂરો પાડશે અને ખેતી પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવામાં મદદરૂપ થશે. બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા આ નિર્ણયનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને “ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ સરકાર” તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વની પ્રશંસા થઈ રહી છે.
