અમરેલી જિલ્લા પંચાયતની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગામની આજે બપોર બાદ મુલાકાત લીધી હતી. આ ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લઈને અમલીકૃત બનેલા કાર્યો વિશેની જાણકારી મેળવી હતી.

આ ટીમે ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સફળ કામગીરી અમલમાં મૂકેલી પંચાયતોના અનુભવો પોતાના જિલ્લામાં લોકકલ્યાણ માટે અમલમાં મૂકી શકાય એ માટે રૂબરૂ નિદર્શન અને ચર્ચા-વિનિમય દ્વારા પંચાયત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, લાઈબ્રેરી, આંગણવાડી વગેરે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. અમરેલી પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાલે આ પ્રેરણાત્મક મુલાકાત અંગે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં બાદલપરા જેવા આદર્શ ગામો ઉભા થયાં છે. તેની પાછળ જિલ્લાના ગામોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને તેને સફળ રીતે અમલમાં મૂકી છે. આ યોજનાઓના કારણે આવા ગામોમાં લોકસુખાકારીમાં વૃદ્ધિ થઈ છે અને આદર્શ ગામની સંકલ્પના વાસ્તવમાં સાકાર થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ‘સ્વચ્છ ભારત’ની કલ્પના કરી છે. તેને વાસ્તવમાં આવા ગામો સાકાર કરી રહ્યાં છે. સ્વચ્છતા સાથે સુંદરતાનો પણ ખ્યાલ રાખીને આવા ગામોમાં લોકોપયોગી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાદલપરા અને વડનગર જેવા વિવિધ ગામોની મુલાકાતથી અમરેલી જિલ્લામાં પણ આ પ્રકારના ગામોનું નિર્માણ થાય અને ગીર સોમનાથ જિલ્લામાં જે રીતે ગામોનો વિકાસ થયો છે. તેવો વિકાસ શક્ય બને તે માટેનો પથ કંડારવા માટે જરૂરી પ્રેરણા આ ગામોના વિકાસ કાર્યોથી પ્રતિનિધિમંડળને પ્રાપ્ત થઈ છે. જેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં અમરેલીના ગામો પણ આદર્શ ગામ બને તેવો અમારો પ્રયાસ રહેશે. આ મુલાકાતમાં અમરેલી જિલ્લા પંચાયત તેમજ અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો જોડાયાં હતાં.

Related posts

Leave a Comment