હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગ્રામીણ વિકાસ મંત્રાલય જમીન સંસાધન વિભાગ વોટરશેડ મેનેજમેન્ટ વિભાગ હેઠળ તાલાલા તાલુકાના પીપળવા અને ધ્રામણવા તેમજ વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ વોટરશેડ યાત્રા યોજાશે. જેના માધ્યમથી પાણી વિષયક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોને સમજ આપવામાં આવશે.
તા.૧૯ ફેબ્રુઆરી અને ૨૦ ફેબ્રુઆરી એમ બે દિવસ આ યાત્રાના માધ્યમ થકી વોટરશેડ વિસ્તારમાં ખેતપાળા, બંધપાળા અને કન્ટૂરપાળા, પગથિયા પદ્ધતિ, કન્ટિન્યૂઅસ કન્ટૂર ટ્રેન્ચ, ખરાબાની જમીનમાં સુધારા કરવા, બાગાયત તથા વનીકરણ, જમીન સમથળ, ખેત તલાવડી, નાના તળાવ અને કાઢીયા, ખેડૂતના જમીનમાં પાણીના કાઢિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓમાં ડીપ અને સ્પ્રિંકલર ઈરીગેશન, દવા છંટકાવના ઉપયોગ માટે સોલાર સ્પ્રે પંપ, વાવેતર માટે ઓરણી, પશુઓના ચેપી રોગો અને સારવાર માટે પશુ નિદાન કેમ્પ, ખેડૂત અને પશુપાલક માટે ખેતી અને પશુપાલનને લગત તાલીમ અને પ્રેરણા પ્રવાસનો સમાવેશ થાય છે.
જમીન, પાણી અને ગ્રામીણ ઉર્જા વ્યવસ્થાપન, જંગલ તેમજ ગૌચર તથા પડતર ભૂમિ અને ખેતિવાડી વિકાસ, પશુપાલન જળસ્ત્રાવ વિસ્તાર વિકાસના અંગો છે. જેના હેતુઓ જમીનનું ધોવાણ અટકાવવું, જમીનનો ભેજ તથા ભૂગર્ભજળનું સ્તર અને જમીન ઉત્પાદકતા તેમજ સિંચાઈ અને પીવાના પાણીની ઉપલબ્ધતા, ઘાસચારા બળતણ તથા વનીકરણ થકી પેદાશોની ઉપલબ્ધા વધારવાનો છે.
બચત અને ધિરાણ કાર્યક્રમ પ્રોજેક્ટના ગામોમાં સ્વસહાય જૂથો બનાવી આંતરિક ધિરાણ તેમજ જૂથોના આજિવિકા લગત કામોની પ્રવૃત્તિઓ જેવી કે, પાપડ મેકિંગ, સુગરકેન પ્રવૃત્તિઓ, મેંગો પ્રોસેસિંગ, ખાણદાણ, ઓઈલ મીલ, મસાલા યુનિટ જેવી અલગ-અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમ, આ વોટરશેડ યાત્રામાં જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ થકી ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોની સુખાકારીમાં વધારો કરવાનો હેતુ સમાયેલો છે.