હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વૉલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન વયજૂથ બહેનોની વૉલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટૉસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી અને ખેલાડીઓની રમત નિહાળી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરખડી જેવા નાના એવા ગામમાંથી ઘણાં ખેલાડીઓ પોતાના કાંડાનું કૌવત બતાવી અને રમતગમત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે. જે ગીર સોમનાથ જિલ્લા માટે ગર્વની વાત છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી ઘણાં ખેલાડીઓએ સરકારી નોકરી પણ મેળવી છે.
આવી જ રીતે રમતના માધ્યમથી પોતાનું કૌશલ્ય નિખાર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી કામના કરી કલેક્ટરશ્રીએ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સરખડી ખાતે યોજાયેલી વોલિબોલ સ્પર્ધામાં ભાવનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર એમ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન એજ ભાઈઓની સ્પર્ધા કોડિનાર શ્રી સોમનાથ એકેડમી સંકુલ ખાતે યોજાઈ હતી.
આ તકે, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, પૂર્વ વ્યાયામ શિક્ષક સંઘ પ્રમુખ વરજાંગભાઈ વાળા, સરપંચ અસ્મિતાબહેન વાળા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.