હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયા છે.જે મુજબ રોગ નિયંત્રણ માટે આટલી તકેદારી રાખવી.
ભૂકી છારો : મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગની શરૂઆત થયેથી ૩૦ ગામ દ્રાવ્ય ગંધક/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/ ૧૫ ગ્રામ થાયોફેનેટ મિથાઇલ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો. મગ, અડદ, તુવેર, ગુવારના પાકમાં પાનનાં ટપકાંનો રોગ અથવા કાલવણ રોગની શરૂઆત થયેથી ૧૦ મિ.લિ. હેકસાકોનાઝોલ/ ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ/૨૫ ગ્રામ મેન્કોઝેબ ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૨ દિવસના અંતર બાદ કરવો. પીળો પચરંગીયો મગ, ચોળા અને ગુવારના પાકમાં રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદ માખી કે મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ઈ મિડાક્લોપ્રિડ ૪ મિ.લિ. દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેને છાંટવી. જીવાણુંથી થતા રોગના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન દવા ૧ ગામ અને કોપર ઓક્સીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો છંટકાવ કરવો. જો જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ થી ૧૨ દિવસ બાદ કરવો.
ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેના પરભક્ષી કીટક લેડીબર્ડ (ડાળીયાં) પણ દેખાય છે. જેનું પુખ્ત ઇયળ મોલોને ખાઇ તેનું નિયંત્રણ કરે છે. આ સમયે રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો જોઈએ. અથવા જરૂર જણાય તો વનસ્પતિ આધારિત દવાનો છંટકાવ કરવો. મોલોના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી કાયસોપાનાં ઈડા અથવા ઇયળો હેક્ટર દીઠ ૫૦ હજાર જેટલા છોડવા. સફેદમાખીના પરભક્ષી કીટક જેવા કે એન્કારસીયા નામની ભમરી છોડવી. મોલો મશી, થ્રિપ્સ, તડતડિયા, સફેદ માખી, રાતી કથીરી, ચીકટો, શીંગના ચૂસિયા જેવી ચૂસિયા જીવાતોનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો અર્ક (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૪૦ મીલી/૧૦ લીટરમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ જણાય અને છોડ ઉપર પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો કોઈપણ એક શોષક દવા જેવી કે ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૩ મીલી/થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુડીજી ૪ ગામ/એસિફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ/એસિટામીપ્રિડ ૨૦ એસપી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે ભેળવીને તેનો છંટકાવ કરવો.
લીલી ઈયળની ફૂંદી પીળા રંગ તરફ આકર્ષતી હોઇ તુવેર જેવા પાકોમાં ખેતરો ફરતે તેમજ પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવું. તેમજ ખેતરમાં હેકટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવી. રાત્રીના સમયે ખેતરમાં પ્રકાશ- પિંજર ગોઠવવા. ખેતરમાં જયાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવીને તેની નીચે પાણી ભરેલી ટ્રે ગોઠવીને તેમાં જંતુનાશક દવાના ૧ થી ૨ ટીપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.
પક્ષીઓને બેસવા ટેકા/ બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવા. જેથી પક્ષીઓ દ્વારા ઈયળો અને ફૂદીનો નાશ થાય. તુવેરમાં લીલી ઇયળ તેમજ શીંગ માખીના નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મી.લી/ લીંબડાની લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસના અંતરે બીજા ૨ થી ૩ વાર છંટકાવ કરવા.
જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ/ બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને તેનો છંટકાવ કરવો. અથવા ન્યુકિલયર પોલીહેડ્રોસીસ (એનપીવી) વાયરસ ૨૫૦ ઇયળ એકમ (૨૫૦ એલઈ) જરૂરી પાણીના જથ્થામાં ઉમેરીને હેકટર દીઠ વિસ્તારમાં આ મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ.
તુવેરના પાકમાં શીંગો કોરી ખાનાર ઈ થળો સામે રક્ષણ મેળવવા પાકમાં ૫૦ % ફૂલ બેસવાની અવસ્થાએ એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ/ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૪ મી.લી./ ક્વિનાલફેસ ૨૫ ઇસી ૨૦ મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૮ એસસી ૩ મિલી/ ફ્લુબેન્ડીયામાયીડ ૪૮ એસસી ૨ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો.
દવાના વપરાશ વખતે દવાની બોટલ ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવી.વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીનો સંપર્ક સાધવા જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.