હિન્દ ન્યુઝ, જામનગર
જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.
આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા તથા જામનગર તાલુકા પંચાયતના મતદારમંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૧૬/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉ (તા.૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.
ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે).આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.