હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૫નુ મતદાન આવતીકાલ તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ચૂંટણી અન્વયે વોર્ડ નં ૧ થી ૭ ના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પરંતુ હરીફ ઉમેદવારોની યાદી મુજબ વોર્ડ નં.૭ માં કુલ ૧૦ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ક્રમ નં.૩ પરના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સામાન્ય વર્ગના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજાનું તા.૧૩ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. જેની ખાતરી કરવામાં આવી છે. માટે માત્ર વોર્ડ નં.૭નું મતદાન રદ કરવામાં આવ્યું છે.
નગરપાલિકાની ચૂંટણીના સુધારેલા નિયમોમાં નિયમ ૫૧ તથા રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ મળેલ અધિકારથી ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે દ્વારા ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીના વોર્ડ નં.૭ નું મતદાન રદ્દ કરવા હુકમ કરવામાં આવ્યો છે.